ગાંધીનગરમાં વૃક્ષ વનરાજીને જાળવી રાખવા લોકોનાં ખિસ્સાનાં ટેક્ષનાં લાખો રૂપીયાનાં ખર્ચે વન વિભાગ દ્વારા વૃક્ષ-છોડનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ જે વનરાજી હૈયાત છે તેની જાળવણીમાં વન વિભાગ બોદુ પુરવાર થઇ રહ્યુ છે. ઉનાળાની શરૂઆત સાથે જ સેકટરોમાં વન વિભાગની ઝાડીઓમાં આગના બનાવો વધી રહ્યા છે અને સેંકડો વૃક્ષો ઉભા સુકાઇ રહ્યા છે. ત્યારે આગ લગાડનાર તત્વો સામે કોઇ કાર્યવાહી ન કરીને વન વિભાગ દ્વારા બેદરકારી દાખવાઈ રહી છે.
શહેરનાં સેકટરોમાં તથા રોડ સાઇડમાં લાખોનો ખર્ચ કરીને વૃક્ષો રોપનાર તથા માવતજમાં મોટો ખર્ચ કરનાર વન વિભાગ પોતાની જવાબદારી નિભાવવામાં ઉણું ઉતરી રહ્યુ છે. દર વર્ષે ઉનાળાનાં દિવસોમાં વન વિભાગની ઝાડીઓમાં આગજનીથી સેંકડો વૃક્ષો હોમાઇ જાય છે તો નાના છોડ બાળમરણનો ભોગ બને છે.
સેકટર ૧૧માં જિલ્લા ન્યાયાલય પાસેની ઝાડીઓમાં થોડા દિવસ પુર્વે કોઇ કારણોસર આગ લાગવાનાં કારણે સેકડોની સંખ્યામાં કરંજનાં વૃક્ષો ઝાળ લાગવાનાં કારણે સુકાભઠ્ઠ બની ગયા છે. સેકટર ૨૨, સેકટર ૧૨ સહિતનાં વિસ્તારોમાં આ પ્રકારે આગના બનાવો વનરાજીને હણી રહ્યા છે.