(જી.એન.એસ.)રાજકોટ,તા.૧૫
કોરોના મહામારીનો કહેર હળવો થતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. સાથોસાથ રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. આજથી સ્પાઈસ જેટની રાજકોટ-દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ ફ્લાઈટ સેવાનો પ્રારંભ થતા દિવસભર ૬ ફ્લાઈટનું આગમન થશે. જેમાં સૌપ્રથમવાર ૪૨ મુસાફરો સાથે રાજકોટથી ગોવાની ફલાઈટ શરુ થતાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ ફ્લાઈટને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે લીલીઝંડી અપાઈ હતી. આજે રાજકોટ એરપોર્ટ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનાં હસ્તે રાજકોટ-ગોવાની ફ્લાઈટનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર સ્પાઈસ જેટ કંપનીની શરુ થયેલી આ રાજકોટ-ગોવા ફ્લાઈટમાં આજે ૪૨ મુસાફરોએ ઉડાન ભરી ગોવા પહોંચ્યા હતા. સેજ-૩૭૦૧ દિલ્હી-રાજકોટ-ગોવા ફ્લાઈટ બપોરે ૧ઃ૪૦ મિનીટે લેન્ડ થઈ હતી અને ૪૨ મુસાફરો સાથે ૨ કલાકે ગોવા જવા ટેક ઓફ થઈ હતી. આ ફ્લાઈટ ગોવાથી સાંજે ૧૭.૨૫ પરત ફરશે. આ ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાગતની તૈયારી ચાલી રહી છે. એસઈજે ૩૭૫૦ ગોવા-રાજકોટ-હૈદરાબાદ ફ્લાઈટ ગોવાથી ઉપડી રાજકોટ એરપોર્ટ સાંજે ૧૭.૨૫ કલાકે લેન્ડ થશે અને ૧૭.૪૫ કલાકે હૈદરાબાદ જવા ટેક ઓફ થશે. સ્પાઈસ જેટની આજે સવારની રાજકોટ-મુંબઈ અને રાજકોટ-દિલ્હી ફ્લાઈટ ફુલ રહી હતી.