(જી.એન.એસ)લંડન,તા.૧૬
ટીમ ઈન્ડિયાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમ સામે ૧૪ વર્ષના દુકાળને ખતમ કરવાનો પડકાર છે. ભારતે છેલ્લે ૨૦૦૭માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતીય ટીમે તે સિરીઝની પહેલી અને ત્રીજી મેચ ડ્રો કરાવી હતી. જ્યારે નોટિંગહામમાં રમવામાં આવેલ બીજી ટેસ્ટ ૭ વિકેટથી જીતી હતી. જ્યારે છેલ્લે ભારતે ૨૦૧૮માં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ રમી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને તે સિરીઝમાં ૧-૪થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ઈંગલેન્ડમાં છેલ્લી ત્રણ ટેસ્ટ સિરીઝ ૨૦૧૧,૨૦૧૪ અને ૨૦૧૮માં ગુમાવી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે તેની ધરતી પર અત્યાર સુધી કુલ ૧૮ ટેસ્ટ સિરીઝ રમી છે. જેમાંથી ભારતને માત્ર ત્રણમાં જીત મળી અને ૧૪ વખત તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ૨૦૦૨માં ચાર મેચની સિરીઝ ૧-૧થી ડ્રો રહી હતી. ભારતીય ટીમે પોતાની પહેલી ટેસ્ટ મેચ ૧૯૩૨માં ઈંગ્લેન્ડ સામે લોડ્ર્સમાં રમી હતી. ભારતને ઈંગ્લેન્ડમાં પહેલી જીત માટે લગભગ ૪૦ વર્ષનો લાંબો ઈંતઝાર કરવો પડ્યો. ૧૯૭૧માં અજીત વાડેકરની આગેવાનીમાં ભારતે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. પહેલી બે ટેસ્ટ મેચ ડ્રો રહી. ઓવલમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને ભારતે ૪ વિકેટથી જીતીને સિરીઝ ૧-૦થી પોતાના નામે કરી. ૧૯૮૬માં કપિલ દેવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી. તે સમયે ઈંગ્લીશ ટીમમાં ગ્રેહામ ગૂચ, એલન લેમ્બ અને માઈક ગેટિંગ જેવા દિગ્ગજ હતા. લોડ્ર્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચને ભારતે ૫ વિકેટથી જીતી લીધી. જે આ ઐતિહાસિક મેદાન પર તેની પહેલી ટેસ્ટ જીત હતી. પછી લીડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટને પણ ભારતે ૨૭૯ રનથી જીતીને ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી. બર્મિગહામમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અત્યાર સુધી કુલ ૧૨૬ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી ઈંગ્લેન્ડને ૪૮માં અને ભારતને ૨૯ મેચમાં જીત મળી છે. જ્યારે ૪૯ ટેસ્ટ મેચ ડ્રો રહી. ભારતે ઈંગ્લેન્ડની સામે તેની જમીન પર અત્યાર સુધી કુલ ૬૨ ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ભારતને ૭ મેચમાં જીત મળી. જ્યારે ૩૪ ટેસ્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો. તો ૨૧ ટેસ્ટ મેચ ડ્રો રહી. બીજી બાજુ ભારતની ટીમનો ઘરઆંગણે દેખાવ શાનદાર રહ્યો છે. ભારતે પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ સામે ૬૪ ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારતે ૨૨ મેચમાં જીત મેળવી છે. જ્યારે ૧૪ મેચમાં હાર મળી છે. તો ૨૮ મેચ ડ્રોમાં પરિણમી છે. ટીમ ઈન્ડિયાની પાસે ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી વખત ટેસ્ટ સિરીઝ જીતવાની શાનદાર તક છે. ભારતે હાલમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડને ૩-૧થી પરાજય આપ્યો હતો. તેના કારણે ભારતીય ટીમનો જુસ્સો બુલંદ છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ નોટિંગહામમાં ૪ ઓગસ્ટથી થશે. બીજી ટેસ્ટ મેચ ૧૨ ઓગસ્ટથી લોડ્ર્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ ૨૫ ઓગસ્ટથી લીડ્સ અને ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન પર ૨ સપ્ટેમ્બરે રમાશે. જ્યારે સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ માન્ચેસ્ટરમાં ૧૦ સપ્ટેમ્બરે રમાશે.