(જી.એન.એસ)લંડન,તા.૧૬
મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ની બીજી ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. રવિવારથી બંને દેશો વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ માટે ટીમ ઇન્ડીયાએ ભરપૂર તૈયારીઓ શરૂ કરી છે. તૈયારીઓ વચ્ચે ટીમના ખેલાડીઓ હળવાશને પણ માણતા હોય છે. કેપ્ટન શિખર ધવન અને ઓપનર પૃથ્વી શો આવા જ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ધવન વાંસળીના સૂર રેલાવી રહ્યો હતો, તો પૃથ્વી તેની સાથે ગીત ગાઇ રહ્યો હતો. બાયોબબલમાં રહીને ટીમને ખેલાડીઓ એક પ્રકારે માનસિક તાણ અનુભવતા હોય છે. જેને દૂર રાખવા માટે કેટલાક ઉપાયો પણ અજમાવવામાં આવતા હોય છે. આવી જ રીતે હળવા રહેવા માટે નો એક ઉપાય ગીત સંગીત છે. શ્રીલંકા પ્રવાસ માટે ની ટીમ ઇન્ડીયાના કેપ્ટન વાંસળી વગાડવાનુ ખૂબ સારી રીતે જાણે છે. આવી જ રીતે તેણે કોલંબોમાં હોટલમાં વાંસળીના સૂર રેલાવીને દીલ જીતી લીધુ હતુ. ધવનની વાંસળીના સૂરને ઓપનર પૃથ્વી શો સાથ આપી રહ્યો હતો. શિખર ધવને વાંસળી વગાડતા અને સાથે પૃથ્વી શોનો આ વિડીયો સો.મીડિયા પર શેર કર્યો છે. જેમાં ધવન ફિલ્મ ‘કટી પતંગ’ ના જાણીતા ગીત ‘યે શામ મસ્તાની, મદહોશ કિએ જાએ .. ના સૂર વાંસળી વડે રેલાવી રહ્યો છે. જે ગીતની પંક્તિઓને ધવનની પાછળ ઉભેલો પૃથ્વી શો ગાઇ રહ્યો છે. ધવને કેપ્શનમાં લખ્યુ હતુ કે, થર્સડે ટ્યૂન, અમારા ઇન હાઉસ સુપર સ્ટાર ગાયક પૃથ્વી શો. સાથે જ ધવને પૃથ્વી શોને ટેગ કર્યો હતો. આમ પણ શિખર ધવન કેપ્ટન હોવા ઉપરાંત ઓપનર બેટ્સમેન છે. જ્યાં મેદાનમાં પણ ઓપનીંગમાં પૃથ્વી શો સાથ આપતો હોય છે. આમ બંને ની જોડી પાસે થી સારી શરુઆતની આશા રાખવામાં આવતી હોય છે. આગામી રવિવાર એટલે કે ૧૮ જૂલાઇ એ ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે વન ડે મેચ રમાનાર છે.
Home Entertainment Sports શ્રીલંકામાં શિખર ધવને વાંસળી વગાડી, પૃથ્વી શોએ ગીત ગાઇને આપ્યો સાથ, વિડીયો...