(જી.એન.એસ)ચંડીગઢ,તા.૧૬
સરકારી રાશન વિતરણ પ્રણાલીમાં થતી ગોલમાલની ફરિયાદો દૂર કરવા માટે હરિયાણા સરકારે એક અનોખી શરૂઆત કરી છે. પ્રદેશ સરકારે ગુરૂગ્રામના ફારૂખનગર ખાતે બેંક એટીએમની જેમ એક ’ગ્રેઈન એટીએમ’ની શરૂઆત કરી છે. તેના કારણે ગ્રાહકોએ અનાજ મેળવવા માટે લાંબી લાઈનોમાં પણ નહીં ઉભા રહેવું પડે અને રાશન ઓછું મળ્યાની ફરિયાદનો પણ કોઈ અવકાશ નહીં રહે. ’અન્નપૂર્તિ’ નામથી બનાવવામાં આવેલા ’ગ્રેઈન એટીએમ’નું પહેલું મશીન પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુરૂગ્રામના ફારૂખનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. તમે બેંક એટીએમમાંથી રૂપિયા નીકળતા તો જોયા જ હશે ત્યારે હવે હરિયાણા સરકારે દેશના પહેલા ગ્રેઈન એટીએમની શરૂઆત કરી છે. ’અન્નપૂર્તિ’ નામનું આ મશીન ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. કોઈ પણ કાર્ડ ધારક વ્યક્તિ રાશન ડેપો પર જઈને આધાર કાર્ડ કે રાશન કાર્ડની ડિટેઈલ ભરીને આ મશીન દ્વારા રાશન મેળવી શકશે. હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ ગ્રેઈન એટીએમ લગાવવામાં આવશે. જાણવા મળ્યા મુજબ આ એટીએમમાંથી એક મિનિટમાં ૧૦ કિલો જેટલું અનાજ નીકળી શકશે. પ્રદેશ સરકારના કહેવા પ્રમાણે આ મશીનનો ઉદ્દેશ્ય રાઈટ ક્વોન્ટિટી ટુ રાઈટ બેનિફિશરી છે. ગ્રેઈન એટીએમના કારણે સરકારી દુકાનોમાં લાગતો સમય અને પૂરતું અનાજ ન મળ્યાની સમસ્યા ઉકેલાઈ જશે. તેનાથી જનતા ઉપરાંત સરકારને પણ ફાયદો થશે. ગ્રેઈન એટીએમ મશીનમાંથી ઘઉં, બાજરો અને ચોખા નીકળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો આ મશીન સફળ પરિણામ લાવશે તો સમગ્ર પ્રદેશમાં આ પ્રકારના મશીન લગાવવામાં આવશે.