ઉત્તરપ્રદેશના બરેલીમાં ચોરીની શંકામાં ૫ બાળકોને તાલિબાની સજા અપાઇ

263

(જી.એન.એસ.)બરેલી,તા.૧૬
ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ચોરીની શંકામાં ૫ બાળકોને બંધક બનાવીને તાલિબાની સજા આપવામાં આવી હતી. બાળકોને દોરડા વડે બાંધીને ચાબુક વડે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ડેરી સંચાલકે પોતાના સાથીદારો સાથે મળીને બાળકોને કરંટ પણ આપ્યો હતો. હકીકતે બારાદરી થાણા ક્ષેત્રના ગંગાપુર વિસ્તારમાં અવનેશ કુમાર યાદવ નામની એક વ્યક્તિ ડેરી ચલાવે છે. થોડા દિવસ પહેલા તેમનો ૩૦,૦૦૦ રૂપિયાનો મોબાઈલ ચોરી થઈ ગયો હતો. ત્યાર બાદ ડેરી સંચાલકે પાડોશમાં રહેતા બાળકોનું અપહરણ કરાવ્યું હતું અને તેમને નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો. બાળકોએ લગાવેલા આરોપ પ્રમાણે તેમને દોરડા વડે બાંધીને ચાબુક વડે માર મારવામાં આવ્યો હતો અને બાદમાં કરંટ આપવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે બાળકોના પરિવારજનોને ઘટનાની જાણ થતા તેમણે ડેરી પર હલ્લાબોલ કરીને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકોને ડેરી સંચાલકની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા અને જિલ્લા હોસ્પિટલમાં તેમનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો. સગીરોએ પોલીસને જણાવ્યું કે, અવનેશ તેમને રાતના સમયે બોલાવી ગયો હતો અને લઈ જતાની સાથે જ માર મારવાનો શરૂ કરી દીધો હતો. તેણે બાળકો પર મોબાઈલ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને બાળકોએ મનાઈ કરી તો બંધક બનાવીને ચાબુક વડે માર મારવાની સાથે કરંટ આપ્યો હતો અને પગ વડે કચડ્યા હતા. બાળકોએ પીવા માટે પાણી માંગ્યું તેમ છતાં તેમને તરસ્યા રાખ્યા હતા. આ કેસમાં અવનેશ યાદવ, તેની પત્ની શબાના અને ચાચા, બનેવી વગેરે સહિત કુલ ૬ લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એસપી સિટી રવિન્દ્ર કુમારના કહેવા પ્રમાણે આરોપીઓની ધરપકડ માટે પોલીસ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

Previous articleહરિયાણાના ફારૂખનગર ખાતે ગ્રેઇન એટીએમની શરૂઆત કરાઇ
Next articleશ્રીનગરમાં સેનાએ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર માર્યા