ગુજ.યુનિ.નો છબરડોઃ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતાં રોષ

282

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૬
ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. આવતીકાલથી શરૂ થનારી બી.કોમ સેમ-૬ ની ઓફલાઈન પરીક્ષા માટેના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓના નામ ગાયબ થયા છે. ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નહોતી. પરીક્ષાની લેટ ફી ભરી હોવા છતાં હોલ ટિકિટ મળી નથી. લિસ્ટમાં નામ ન આવતા વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સીટી પહોંચ્યા હતા. ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ૧ વર્ષ બગડે તેવી શક્યતા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી-પીજીની ઉનાળુ સત્રની ઓફલાઈન પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે .જે મુજબ ૨૭મી જુલાઈથી બીજા તબક્કામાં યુજીમાં સેમ.૬ની અને પીજીમાં સેમ.૪ની પરીક્ષાઓ શરૂ થશે. કોરોનાને લીધે પ્રથમવાર ઉનાળુ સત્રની પરીક્ષાઓ ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષમાં લેવાઈ રહી છે.
સરકારે કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ જુલાઈમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવાની યુનિ.ઓને મંજૂરી આપતા ગુજરાત યુનિ.દ્વારા બાકી રહેલી તમામ પરીક્ષાઓની ઓનલાઈન મોડની પરીક્ષા બાદ ઓફલાઈન પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે. અગાઉ યુજી-પીજી સેમ.૧ની ઓનલાઈન પરીક્ષાઓ બાદ યુજી-પીજી સેમ.૬ની ઓનલાઈન પરીક્ષાઓ ગત મહિને લેવાઈ હતી.ત્યારબાદ ૭મી જુલાઈથી શિયાળુ સત્રની સેમ.૧ની મોકુફ કરાયેલી પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે લેવામા આવી રહી છે. આ પરીક્ષાઓ પુર્ણ થયા બાદ ૨૭મી જુલાઈથી યુજી-પીજી સેમ.૬ની પરીક્ષાઓ શરૂ થનાર છે.જેમાં બી.કોમ ,બીએસસી રેગ્યુલર એક્સટર્નલ સેમેસ્ટર ૬ની તેમજ પીજીમાં એમકોમ રેગ્યુલર એક્સટર્નલ સેમેસ્ટર ૬ની પરીક્ષાઓ લેવાશે. આ ઉપરાંત એલએલબી સેમે.૨,૪ અને ૬ની પરીક્ષાઓ પણ ઓફલાઈનમાં શરૂ થશે. બીએડની ઓફલાઈન પરીક્ષા ૨૦ જુલાઈથી શરૂ થશે. હવે પછીની તમામ પરીક્ષાઓ ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે અને ૫ ઓગસ્ટ સુધી બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષાઓ ચાલશે.

Previous articleદરિયાપુર મનપસંદ જુગાર મામલોઃ પીઆઇ,પીએસઆઇ સહિત ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ
Next article૩૦૦૦ કરોડના પ્રથમ ફેઝમાં ૨૦૦૦ કરોડ વર્લ્ડ બેંક પાસેથી લોનથી લેવાશે