૨૧ ગામોની ૭૬ સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી જરૂરી લોહી-પેશાબના તમામ રિપોર્ટની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ દ્વારા સગર્ભા માતાની તપાસણી કેમ્પ યોજાયો હતો. આ તપાસણી કેમ્પ ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટેની ઘનીષ્ટ આરોગ્ય તપાસ થઇ શકે તેવાં હેતુથી યોજવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ હેઠળ આવતાં ૨૧ ગામોની સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી જરૂરી લોહી-પેશાબના તમામ રિપોર્ટની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ૨૧ ગામોમાંથી ૭૬ સગર્ભા બહેનોની તપાસણી કરવામાં આવી હતી તથા જરૂરી દવાઓ-સારવાર- સલાહની ત્રિવિણીરૂપે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. ગામડાની બહેનો સામાન્ય રીતે દવાખાને જતાં ડર અનુભવતી હોય છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને દવા લેવામાં કે ઇન્જેક્શનના ડરથી દવાખાને આવવામાં ડર અનુભવતી હોય છે તેવાં સમયે ૨૧ ગામોની સગર્ભા મહિલાઓનો આશા બહેનોના માધ્યમથી ઘરે જ સંપર્ક કરીને એક જ સ્થળે બોલાવીને તેમની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમના લોહી- પેશાબના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણને આધારે તેમને દવા તથા જરૂરી સલાહ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ખીલખીલાટ વાન દ્વારા તેમને સુરક્ષિત રીતે તેમના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવામાં પણ આવી હતી. આમ, આવી સંવેદનશીલ અને કાળજીભરી કામગીરી માટે આ સગર્ભા મહિલાઓએ રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી. મેડિકલ સ્ટાફની સેવા- સુશ્રુષાની પણ તેમણે સરાહના કરી હતી અને કહ્યું હતું કે, જે રીતે ઘરના વ્યક્તિ કાળજી રાખે તે રીતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અમારી કાળજી રાખી રહ્યાં છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.એચ.ઓ જાગૃતિબેન, રશ્મિબેન, લેબ ટેક્નીશિયન સોનલબેન તથા આરોગ્ય કાર્યકર ભાઈ-બહેનો કેતનભાઈ, રાહુલભાઇ, કિરણબેન, જલ્પાબેન, આશા બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કામગીરીમાં સગર્ભા બહેનોને ગામમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી લાવવાં- લઈ જવાં માટે ૧૦૮ ની ખીલખીલાટ એમ્બ્યુલન્સ વાનની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.