ઘોઘાના ૧ર ગામના ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલ ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલનના ૧૩માં દિવસે ઘોઘા તાલુકા મામલતદાર કચેરી ખાતે સવારથી સાંજ સુધી ધરણા યોજી પોતાની લડત-વિરોધ યથાવત રાખ્યો છે.
ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આરંભ કરવામાં આવેલ લડતને આજે ૧૩ દિવસ પૂર્ણ થયા છે છતાં કોઈ નિર્ણાયક મોડ પર હજુ સુધી પહોંચી નથી. આજે બીજા દિવસે પણ ખેડૂતો દ્વારા ઘોઘા મામલતદાર કચેરી ખાતે સવારથી સાંજ સુધીના ધરણા યોજ્યા હતા.
દરમ્યાન સવારે સુરકા ગામની સીમમાં જીપીસીએલ કંપની દ્વારા એક ખેડૂતની જમીન પર પેશકદમી સાથે માઈનીંગની તજવીજ હાથ ધરતા ખેડૂતોનું વિશાળ ટોળુ બનાવસ્થળે એકઠુ થયું હતું અને કામ અટકાવ્યું હતું. તો બીજી તરફ કંપનીના કર્મીઓએ પણ સંઘર્ષમાં ઉતરવાના બદલે સ્થળ પર રહેલ મશીનરીઓ સાથે રવાના થયા હતા. આંદોલનકારી સભ્યોના જણાવ્યા અનુસાર હજુ પણ આ લડત યથાવત શરૂ રહેશે.