બોટાદના કાનિયાડ ખાતે રૂપિયા ૨.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનારી સરકારી હાઈસ્કુલનું ઉર્જામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

613

મંત્રીના હસ્તે બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા શિક્ષણ એ વિકાસનો પાયો છે, શિક્ષણ વગર વિકાસ શક્ય નથીઃ ઉર્જામંત્રી
બોટાદ જિલ્લાના કાનિયાડ ખાતે રૂપિયા ૨.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સરકારી હાઈસ્કુલના બિલ્ડીંગનું તેમજ રૂપિયા ૨૬ લાખના ખર્ચે તૈયાર થનાર રતનપર શાળાના ચાર રૂમના બાંધકામનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકાસનો પાયો છે, શિક્ષણ વગર વિકાસ શક્ય નથી. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહી છે. જેના કારણે વાલીઓનો સરકારી શાળા તરફનો ઝોક વધ્યો છે. આજે ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સરકારી શાળાઓમાં અત્યાધુનિક માળખાકીય સુવિધા તેમજ તાલીમબધ્ધ શિક્ષકોની ભરતીના કારણે આજે ગુજરાતમાં સરકારી શાળાના સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો થયો છે. છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવી નેમ સાથે આ સરકારે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણના લાભો પહોંચાડયા છે, જેના પરિણામે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતાં ગુજરાતમાં સાક્ષરતાનો દર નોંધપાત્ર વધ્યો છે. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પી.બી.પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ભૂપતભાઈ જાંબુકીયા, બાંધકામ સમિતિના ચેરમેન સુરેશભાઈ હરિપરા સહિતના વિવિધ સમિતિના ચેરમેન સર્વ દક્ષાબેન, વિરમભાઈ, ભગુભાઈ, જીવરાજભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભીખાભાઈ તથા મહામંત્રી પોપટભાઈ, અશોકભાઈ, રમેશભાઈ, સરપંચર સહિતના પદાધિકારીઓ, શિક્ષણવિભાગના અધિકારી, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસિહોરની ‘સર્વોત્તમ ડેરી’ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણનો કાર્યક્રમ યોજાયો
Next article૧૨ સાયન્સનું ૧૦૦% પરિણામ, સૌથી વધુ વિદ્યાર્થીઓને B2 ગ્રેડ