સોમવારથી ચોમાસુ સત્ર શરુ થશેઃ ખેડૂતો-કોરોના-મોંઘવારી મુદ્દે વિપક્ષ બઘડાટી બોલાવશે

175

રોજ ૧૧થી સાંજે ૬ સુધી ચાલશે કાર્યવાહી, ૩૦ બીલ પસાર કરાવવા સરકારની યોજના : સત્ર પૂર્વે શાસક-વિપક્ષ રણનીતિ ઘડવામાં વ્યસ્ત, આજે સવારે ૧૧ કલાકે સર્વપક્ષીય બેઠક મળશે
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૭
સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ૧૯ દિવસ ચાલનારા આ સત્રમાં વિવિધ મુદ્દે ભારે હંગામો મચે તેવી શકયતા છે. કોરોના, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતના પ્રશ્નો, વેકસીનેશન સહિતના મુદ્દે ધબધબાટી બોલે તેવી શકયતા છે. સત્ર પૂર્વે સરકાર અને વિપક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે અને બેઠકોના દૌર શરૂ થયા છે. આ રાજ્યસભાના સભાપતિએ આજે તમામ પક્ષોની બેઠક બોલાવી છે તો આવતીકાલે સરકારે સર્વપક્ષીય અને એનડીએની બેઠક બોલાવી છે. આ સત્રમાં સરકાર ૩૦ બીલ પસાર કરાવવા માંગે છે. આ સત્ર સવારે ૧૧ થી ૬ સુધી ચાલશે અને તે ૧૩ ઓગષ્ટે પુરૂ થશે. સોમવારથી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા રાજ્યસભાના સભાપતિ વૈંકયા નાયડુએ આજે વિવિધ પક્ષોની બેઠક બોલાવી છે જે તેમના નિવાસે યોજાશે. જેમાં વિવિધ પક્ષોના નેતાઓને કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે. આ બેઠકમાં વૈંકયા નાયડુ બધા પક્ષોને ગૃહ શાંતિપૂર્વક ચાલે તે માટેની અપીલ કરશે. રાજ્યસભામાં નવા નેતા પિયુષ ગોયલ છે તેમણે ગઈકાલે મનમોહન, શરદ પવાર અને આનંદ શર્મા સાથે બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
જેમાં પીએમ મોદી પણ સામેલ થશે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો, કોરોનાની પરિસ્થિતિ, કૃષિ કાનૂન, રસીકરણ સહિતના મુદ્દાઓ ગાજે તેવી શકયતા છે. બેઠક પૂર્વે શાસક અને વિપક્ષ પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. બન્ને ગૃહોની બેઠક સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. આ સત્ર ૧૩ ઓગષ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. રોજ સાંજે ૬ વાગ્યા સુધી બેઠક ચાલશે. આ સત્રમાં સરકાર ૩૦ જેટલા ખરડાઓ પસાર કરાવવા માંગે છે. જેમાં ૧૭ બીલ નવા હશે અને ૧૩ સંશોધિત હશે.

Previous articleયુએનમાં ભારતે પત્રકાર દાનિશની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
Next articleકોરોનાની બીજી લહેરમાં રસીના બંને ડોઝ લેનારનો મૃત્યુઆંક નીચો