મંત્રીના હસ્તે બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા
બોટાદ જિલ્લાના કાનિયાડ ખાતે રૂપિયા ૨.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સરકારી હાઈસ્કુલના બિલ્ડીંગનું તેમજ રૂપિયા ૨૬ લાખના ખર્ચે તૈયાર થનાર રતનપર શાળાના ચાર રૂમના બાંધકામનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્?તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકાસનો પાયો છે, શિક્ષણ વગર વિકાસ શક્ય નથી. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહી છે, જેના કારણે વાલીઓનો સરકારી શાળા તરફનો ઝોક વધ્યો છે. આજે ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સરકારી શાળાઓમાં અત્યાધુનિક માળખાકીય સુવિધા તેમજ તાલીમબધ્ધ શિક્ષકોની ભરતીના કારણે આજે ગુજરાતમાં સરકારી શાળાના સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવી નેમ સાથે આ સરકારે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણના લાભો પહોંચાડયા છે, જેના પરિણામે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતાં ગુજરાતમાં સાક્ષરતાનો દર નોંધપાત્ર વધ્યો છે.