પેગાસસ ફોન હેકિંગ વિવાદ પર આશંકા મુજબ જ સોમવારે સંસદમાં ભારે હંગામો થયો. મામલાથી નારાજ વિપક્ષને લોકસભામાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો. તેમણે આ અંગેના રિપોર્ટ પર આશંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટસનું આવવું સંયોગ ન હોઈ શકે.રવિવારે આંતરાષ્ટ્રીય મીડિયા તરફથી રિલીઝ રિપોર્ટમાં મોટો દાવો કરાયો. તેમાં કહેવાયું હતું કે, ઈઝરાયલના પેગાસસ સોફ્ટવેરની મદદથી ભારતમાં ઘણા નેતાઓ, પત્રકારો અન જાહેર જીવન સાથે જોડાયેલા લોકોના ફોન હેક કરાયા છે. રિપોર્ટમાં ૩૦૦ લોકોના ફોન હેક કરવાની વાત કરાઈ છે. આ આરોપોનું સરકારે ખંડન કર્યું. સાથે જ એવું પણ કહ્યું કે, ભારત એક લોકશાહી દેશ છે. અહીં પ્રાઈવસી મૌલિક અધિકાર છે. રિપોર્ટ તદ્દન ખોટો છે.
વિરોધ પક્ષ મહિલા વિરોધી માનસિકતા ધરાવે છે : મોદી
ચોમાસુ સત્રની શરૂઆત ભારે હોબાળા સાથે થઈ છે. પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીના સંબોધનમાં અડચણ ઉભી કરી અને પછી રાજ્યસભામાં પણ તે જ સ્થિતિ રહી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદનમાં ઉપસ્થિત સદસ્યોના વર્તનને લઈ ભારે ટીકા કરી હતી. વડાપ્રધાને વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી હોવાનું પણ જણાવ્યું હતું. વડાપ્રધાને રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું કે, આજે જ્યારે દેશના ખેડૂત પરિવારના બાળકો મંત્રી બને છે અને સદનમાં તેમનો પરિચય આપવામાં આવે છે તો કેટલાક લોકોને ખૂબ પીડા થઈ રહી છે.
રાહુલ-કેન્દ્રના મંત્રીઓના ફોન ટેપ કરાવ્યા : રણદીપ સુરજેવાલા
કૉંગ્રેસે જાસૂસી કાંડને લઈને કેંદ્ર સરકાર પર સોમવારે નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકારે રાહુલ ગાંધી સહિત પોતાના મંત્રીઓના ફોન ટેપ કરાવ્યા છે. તેમણે નાગરિકોના મૌલિક અધિકારીઓને દબાવવાનો કેંદ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેંદ્રએ દેશની સુરક્ષા સાથે રમત કરવાનું કામ કર્યું છે. રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવતા કહ્યું કે રાહુલ સહિત દેશના નેતાઓ, દેશના સન્માનિત અલગ-અલગ મીડિયા સંગઠનના પત્રકારો અને સંવૈધાનિક પદોની જાસૂસી કરવામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને હવે ભારતીય જાસૂસ પાર્ટી રાખી દેવું જોઈએ.
ગૃહમાં પરંપરાઓ તૂટી, ‘છેલ્લા ૨૪ વર્ષમાં આવું નથી જોયું” : રાજનાથ
ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષી સાંસદોના વર્તનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુઃખી થયા. લોકસભામાં નવા સાંસદોના શપથ ગ્રહણની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ પીએમ મોદી ઉભા થયા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. પીએમે કહ્યું કે, તેઓ વિચારીને આવ્યા હતા કે આજે ગૃહમાં ઉત્સાહનો માહોલ હશે, પરંતુ આવું ના થયું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, તેમણે છેલ્લા ૨૪ વર્ષમાં આવું ક્યારેય નથી જોયું. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ઘણું જ સંભળાવ્યું.