પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બસ-ટ્રક ટકરાતાં ૩૦નાં મોત

631

(સં. સ. સે.) કરાંચી, તા.૧૯
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં ૩૦ મુસાફરોના મોત થયા છે અને ૪૦ કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલો પૈકીના ૪ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મુઝફ્ફરગઢના ડેરા ગાજી ખાન પાસે તનુસા રોડ પર આ અકસ્માત થયો હતો અને મૃત્યુઆંક હજુ ઉંચો જશે તેવી આશંકા છે. દુર્ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચિકિત્સાકર્મીઓના કહેવા પ્રમાણે ૧૮ લોકો હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. જાણવા મળ્યા મુજબ બસ ખૂબ સ્પિડમાં ચાલી રહી હતી અને અકસ્માત સમયે તેમાં ૭૫ મુસાફરો સવાર હતા. બસમાં સવાર મોટા ભાગના મુસાફરો મજૂરો હતા જે ઈદના તહેવારની રજા માણવા ઘરે જઈ રહ્યા હતા. અકસ્માતનો ભોગ બની તે બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી.

Previous articleરાજ્યમાં ૨૪ જુલાઈથી ભારે વરસાદની આગાહી
Next articleઉત્તરાખંડમાં વાદળ ફાટતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા