(જી.એન.એસ.)ડિબ્રૂગઢ,તા.૨૦
આસામના ડિબ્રૂગઢ જિલ્લામાં એક મહિલા ડોક્ટરમાં કોરોનાના આલ્ફા અને ડેલ્ટા બંને વેરિઅન્ટ મળ્યા છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દેશમાં ડબલ સંક્રમણનો આ પ્રથમ કેસ છે. ડિબ્રૂગઢ સ્થિત ક્ષેત્રીય ચિકિત્સા અનુસંધાન કેન્દ્રમાં પરિક્ષણ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો છે.રસીના બંને ડોઝ લીધા હોવા છતાં મહિલા ડોક્ટર બીજી રસી લીધાના એક મહિના પછી કોરોનાવાઈરસના બંને વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જોકે તેમનામાં સંક્રમણના હલ્કા લક્ષણ હતા અને હોસ્પિટલમાં દાખલ થયા વગર તે સાજા થઈ ગયા. ડોક્ટરોના જણાવ્યા મુજબ મહિલાના પતિ કોરોનાના આલ્ફા વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા.એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.બીજે બરકટકીએ કહ્યું ડબલ સંક્રમણ ત્યારે થાય છે જ્યારે બંને વેરિઅન્ટ એક વ્યક્તિને એક સાથે અથવા ખૂબ જ ઓછા સમયમાં સંક્રમિત કરે છે. આવુ ત્યારે બંને છે જ્યારે કોઈ વ્યક્તિ એક વેરિઅન્ટથી સંક્રમિત થાય છે અને એન્ટીબોડી વિકસિત થતા પહેલા સંક્રમણના ૨-૩ દિવસની અંદર બીજા વેરિઅન્ટથી પણ સંક્રમિત થઈ જાય છે. તેમણે કહ્યું કે બ્રિટન, બ્રાઝીલ અને પોર્ટુગલમાં ડબલ વેરિઅન્ટથી સંક્રમિત થવાના કેટલાક કેસ પ્રકાશમાં આવ્યા છે, જોકે ભારતમાંથી આવો કોઈ રિપોર્ટ આવ્યો નથી. આસામમાં હાલ ૨૦,૦૦૦ કોરોનાના એક્ટિવ કેસ છે. રાજ્યમાં બે સપ્તાહથી વધુ સમયથી પ્રત્યેક દિવસે ૨૦૦૦ કેસ નોંધાઈ રહ્યાં છે.