(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૦
કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકાર તરફથી બકરી ઈદ પર લોકડાઉનમાં અપાયેલી ઢીલ અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે કોઈ પણ પ્રકારનું દબાણ ભારતના નાગરિકોના જીવનના સૌથી કિંમતી જીવવાના અધિકાર(રાઈટ ટુ લિવ)નું ઉલ્લંઘન ન કરી શકે. જો કોઈ ઘટના બને છે તો લોકો સહિત કોઈ પણ અમને એ બાબતે માહિતીગાર કરી શકે છે અને તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે.કોર્ટે કહ્યું કે એ ચોંકાવનારી વાત છે કે લોકડાઉનમાં ઢીલ આપવા જેવો મહત્વનો નિર્ણય સરકાર વેપારી સંગઠનોના દબાણમાં આવીને કરી રહી છે. એવામાં જો બકરી ઈદની ઢીલ આપવાના કારણે કોરના સંક્રમણ ફેલાવવાની ગતિ વધે છે અને કોઈ પણ વ્યક્તિ આ મુદ્દાને કોર્ટ સમક્ષ ઉઠાવે છે તો કાર્ટ કાર્યવાહી કરશે. સુપ્રીમ કોર્ટ કહ્યું અમે કેરળને બંધારણના અનુચ્છેદ ૨૧ની સાથે અનુચ્છેદ ૪૪ પર ધ્યાન આપવા અને કાવડ યાત્રાને લઈને આપવામાં આવેલા અમારા ચુકાદાને ધ્યાને લે. બકરી ઈદ પર લોકડાઉનમાં ઢીલ પર કેરળ સરકારની અધિસુચનાને રદ કરવા પર કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. લોકડાઉનમાં ઢીલનો આજે અંતિમ દિવસ છે. પિટિશનર તરફથી સિનિયર એડવોકેટ વિકાસ સિંહે કહ્યું કે મામલામાં કોર્ટ કોઈ આદેશ આપી શકે છે. આ અંગે કોર્ટે કહ્યું કે હવે તેનો કોઈ અર્થ નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે કેરળ સરકાર દ્વારા બકરી ઈદના નિયમો પર ઢીલ આપવાના નિર્ણય પર સખ્ત ટિપ્પણી કરી હતી. જસ્ટિસ આર એફ નરીમનની બેન્ચે કહ્યું હતું કે આવા સમયમાં જ્યારે રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી છે ત્યારે નિયમોમાં છુટ આપવાનો સરકારનો નિર્ણય હેરાન કરનારો છે. રાજ્ય સરકાર લોકોની જીંદગી સાથે રમી રહી છે. એવું લાગી રહ્યું છે કે આ ગંભીર સમયમાં સરકાર લોકોને મોતના મોઢામાં ધકેલવાની તૈયારી કરી રહી છે.