(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૨૧
વર્ષ ૨૦૦૮માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ખૂબ જલ્દી અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. જો બાઈડન પ્રશાસને લોસ એન્જલસ ખાતે એક ફેડરલ કોર્ટને પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યવસાયી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરવા આગ્રહ કર્યો હતો. ભારત ઘણા લાંબા સમયથી તહવ્વુર રાણાને શોધવા પ્રયત્ન કરી રહ્યું છે કારણ કે મુંબઈ ખાતે થયેલા હુમલામાં તેનો હાથ છે. ૫૯ વર્ષીય તહવ્વુરને ભારતે ભાગેડુ ઘોષિત કરેલો છે. તહવ્વુર રાણા પર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલા સિવાય અન્ય કેટલીય આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવાનો પણ આરોપ છે. મુંબઈ આતંકવાદી હુમલામાં આશરે ૧૬૬ લોકો માર્યા ગયા હતા જેમાં ૬ અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. ૧૦ જૂન, ૨૦૨૦ના રોજ લોસ એન્જલસ ખાતેથી તહવ્વુરની ધરપકડ કરવામાં આવી હતી.અને ભારતે અમેરિકા પાસે તહવ્વુરના પ્રત્યાર્પણની વિનંતી કરેલી છે. લોસ એન્જલસમાં કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં અમેરિકી સરકારે દલીલ કરી હતી કે, ભારતની પ્રત્યાર્પણ માટેની વિનંતીમાં દરેક ગુનાહિત આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. આ કારણે ભારત રાણાના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે. ગત સપ્તાહે અમેરિકન એટર્નીએ કોર્ટમાં રજૂ કરેલા પોતાના ડ્રાફ્ટમાં કહ્યું હતું કે, પ્રત્યાર્પણના સર્ટિફિકેશન માટે તમામ જરૂરી કાર્યવાહી પૂરી થઈ ચુકી છે. અદાલત વિદેશ મંત્રીને તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ માટે અધિકૃત કરે છે અને તેને કસ્ટડીમાં મોકલે છે.