ખેડૂત આંદોલનના નવા પડાવની શરૂઆત : માત્ર ૨૦૦ ખેડૂતોને જંતર-મંતર ખાતે પ્રદર્શનની મંજૂરી આપી : વિપક્ષ સદનમાં ખેડૂતોનો અવાજ બને : ટિકૈત
(સંપૂર્ણ સમાચાર સેવા)નવી દિલ્હી, તા.૨૨
કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ ગુરૂવારે શરૂ થયો. દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડૂત સંસદની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનોના કહેવા પ્રમાણે જ્યાં સુધી સંસદનું ચોમાસુ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ દરરોજ ત્યાં આવી ખેડૂત સંસદ યોજશે. ગુરૂવારે સવારે સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડરથી બસોમાં ભરાઈને ખેડૂતોના ટોળા જંતર-મંતર ખાતે પહોંચ્યા હતા. દિલ્હી પોલીસે માત્ર ૨૦૦ ખેડૂતોને જંતર-મંતર ખાતે પ્રદર્શનની મંજૂરી આપેલી છે. સવારના ૧૧ઃ૦૦ વાગ્યાથી સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધી ખેડૂતો ત્યાં પ્રદર્શન કરી શકશે. જંતર-મંતર ખાતે પહોંચ્યા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે તેઓ તે જગ્યાએ પોતાનો અવાજ ઉઠાવશે અને વિપક્ષે સદનની અંદર તેમનો અવાજ બનવું જોઈએ તેમ કહ્યું હતું. પ્રદર્શનકારીઓ સાથે ઉપસ્થિત યોગેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા ફરી એક વખત બસોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કારણે ખેડૂતોને જંતર-મંતર ખાતે પહોંચવામાં મોડું થયું છે. અન્ય ખેડૂત નેતાઓના કહેવા પ્રમાણે દિલ્હી પોલીસ અને સરકાર વારંવાર પોતાના વચનથી ફરી રહી છે અને ખેડૂતોને રસ્તામાં હેરાન કરી રહી છે. ખેડૂતોના પ્રદર્શન વચ્ચે ખેડૂત મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેઓ ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે, અમે પહેલા પણ વાત કરતા આવ્યા છીએ તેમ કહ્યું હતું. સાથે જ મોદી સરકારને ખેડૂતોની હિતેચ્છુ ગણાવી હતી.