દિલ્હીમાં પણ યુપી સરકારનું બુલડોઝર ચાલ્યું : આ જમીનની બજાર કિંમત ૧૫૦ કરોડ હોવાનુ મનાય છે, આ જમીન યુપી સરકારના સિંચાઈ વિભાગની છે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૨
દેશના પાટનગર દિલ્હીમાં પણ યોગી સરકારનુ બુલડોઝર ચાલ્યુ છે. દિલ્હીના મદનપુર વિસ્તારમાં યુપી સરકારે મોટી કાર્યવાહી કરી છે અને આ વિસ્તારમાં આવેલી યુપી સરકારની જમીન પર થયેલા ગેરકાયદે કબ્જામાંથી જમીનને મુક્ત કરાવવામાં આવી છે. આ જમીન પર ગેરકાયદેસર રીતે રોહિંગ્યાઓના કેમ્પ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. આજે સવારે ચાર વાગ્યાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ૫ એકર જેટલી આ જમીનની બજાર કિંમત ૧૫૦ કરોડ રૂપિયા હોવાનુ મનાઈ રહ્યુ છે. આ જમીન યુપી સરકારના સિંચાઈ વિભાગની છે. યુપી સરકાર દ્વારા આ પ્રકારના એક્શન છેલ્લા કેટલાક દિવસોથી લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ યુપી સરકાર દ્વારા પોતાની જમીનો ખાલી કરાવવા માટે કાર્યવાહી થઈ રહી છે. ઉપરાંત યુપી સરકારે રાજ્યમાં સંખ્યબાંધ માફિયાઓની જમીન પણ કબ્જામાં લીધી છે અને તેમના બાંધકામો પર પણ બુલડોઝર ફેરવ્યુ છે. બીજી તરફ ઉત્તર પરગાણા જિલ્લામાં બુધવારે અજ્ઞાત લોકો દ્વારા થયેલા ફારયિંગમાં એક મહિલા સહિત ટીએમસીના બે સમર્થકોના મોત થયા છે અને બીજા પાંચ ઘાયલ થયા છે. આ મામલામાં ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.ટીએમસી દ્વારા આ હુમલા માટે વિપક્ષને જવાદાર ઠેરવવામાં આવ્યુ છે. જ્યારે ભાજપનુ કહેવુ છે કે, આ ટીએમસીના આંતરિક જુથવાદનુ પરિણામ છે.