(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૨
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (૨૭ વર્ષ)ની હત્યા થઈ છે. ઈસ્લામાબાદના સેક્ટર એફ-૭/૪ વિસ્તારમાંથી મંગળવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શૌકત મુકાદમ દક્ષિણ કોરિયા અને કઝાકિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુક્યા છે. તેના થોડા દિવસો પહેલા ઈસ્લામાબાદમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણને લઈ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભારે ડિપ્લોમેટિક વિવાદ શરૂ થઈ ગયો હતો. જાણવા મળ્યા મુજબ નૂરનું મૃત્યુ ગોળી વાગવાથી થયું છે. આ કેસમાં નૂરના એક મિત્રની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવી તે મિત્રનું નામ જહીર જફર છે. નૂર મુકાદમની હત્યા બાદ પાકિસ્તાનમાં રાજદ્વારી મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂત નજીબુલ્લાહ અલીખિલની ૨૬ વર્ષીય દીકરીના અપહરણની વાત સામે આવી હતી. અફઘાનિસ્તાન વિદેશ કાર્યાલયે રાજદૂતની દીકરીને ઈસ્લામાબાદ ખાતે થોડા સમય માટે અપહ્યત કરીને ટોર્ચર કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. તેને લઈ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ડિપ્લોમેટ વિવાદ શરૂ થઈ ગયો હતો. પાકિસ્તાને અફઘાનિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કરીને ઈસ્લામાબાદ પોલીસને કથિત અપહરણના કોઈ પુરાવા નથી મળ્યા તેમ જણાવ્યું હતું.