(જી.એન.એસ)લંડન,તા.૨૩
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પહેલા ડરહમમાં રમાયેલી અભ્યાસ મેચ ડ્રો રહી હતી. ભારત અને કાઉન્ટી સિલેક્ટ ઇલેવન વચ્ચે અભ્યાસ મેચ રમાઇ હતી. ભારતે અંતિમ દિવસે કાઉન્ટી ટીમ સામે જીત માટે ૨૮૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ૧૬ ઓવરની રમત પછી ડ્રો પર મેચ સમાપ્ત કરવા સહમતી થઈ હતી. રવિન્દ્ર જાડેજા મેચની બંને ઇનીંગમાં શાનદાર બેટીંગ કરી હતી.ભારતીય બોલરો બીજી ઇનિંગ્સમાં કાઉન્ટી ટીમની કોઈ વિકેટ લઈ શક્યા ન હતા. અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ઉમેશ યાદવ ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ઉભરી આવ્યા હતા. ગુરુવારે મેચના અંતિમ દિવસે ભારતે તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. આ વખતે કેપ્ટન રોહિત શર્માને બદલે મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારા ઓપનિંગ માટે આવ્યા હતા. બંને બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત આપી અને ૮૭ રનની ભાગીદારી કરી હતી.જ્યારે બંને બેટ્સમેનોએ યોગ્ય ગતિએ રન બનાવ્યા હતા. જોકે, મયંક અગ્રવાલ તેની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો. તે ૪૭ રન બનાવીને આઉટ થયો હતો. તો વળી પૂજારા ફરી એકવાર સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નહીં. પુજારા ૩૮ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ચોથા નંબર પર આવીને તેણે હનુમા વિહારી સાથે સારી ભાગીદારી કરી. બંનેએ મકક્મતાથી બેટિંગ કરી ઇનિંગ્સને જાળવી રાખી હતી. આ દરમિયાન જાડેજાએ મેચમાં તેની બીજી અડધી સદી ફટકારી હતી. ૫૧ રન બનાવીને તે રિટાયર થયો. અગાઉ પણ તેણે ઇનિંગ્સમાં ૭૫ રન બનાવ્યા હતા. જ્યારે હનુમા વિહારી ૪૪ રને અણનમ રહ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૮૪ રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતે તેની બીજી ઇનિંગ્સ ૩ વિકેટે ૧૯૨ રન બનાવીને ઘોષણા કરી હતી, જેના જવાબમાં કાઉન્ટી ઇલેવન કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના ૩૧ રન બનાવ્યા હતા.