(જી.એન.એસ)લંડન,તા.૨૩
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાના ‘હું પણ બ્રાહ્મણ છું’ના નિવેદન અંગેનો વિવાદ હજુ પૂરો થયો નથી. ત્યાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની એક ટિ્વટના કારણે ભારે ટ્રોલ થઇ રહ્યો છે. જાડેજા હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે અને તેણે એક ટ્વીટ કરી હતી. આમાં તેણે લખ્યું કે રાજપૂત બોય ફોરેવર. જય હિન્દ !. લોકોને જાડેજાની આ ટ્વીટ પસંદ નથી આવી અને ટિ્વટર યુઝર્સ જાડેજાને ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ તેમને જાતિવાદને પ્રોત્સાહન ન આપવાની સલાહ આપવાનું શરૂ કર્યું. જાડેજાના ટિ્વટ પર એક ટિ્વટર યુઝરે લખ્યું, સર તમે લાખો લોકો માટે પ્રેરણા છો. અમને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. તમારો રંગ, સ્વરૂપ અને ધર્મ કોઈ ફર્ક નથી પડતો. અમે હંમેશાં તમને પ્રેમ કર્યો છે. બીજા એક યુઝરે લખ્યું, જાતિવાદને કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે. જડ્ડુની આવી પોસ્ટ અપેક્ષા ન હતી. ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ તેઓ જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. શરમજનક !. બીજા એક યુઝરે જાડેજાના ટિ્વટ પર લખ્યું, માણસ જન્મ દ્વારા મહાન થતો નથી. તમે કોણ છો તેના પર ગર્વ કરો, તમારા પરના લેબલ્સ નહીં આ સમગ્ર વિવાદ રૈનાની એક કમેન્ટથી શરૂ થયો હતો. જેમાં તેણે પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો. તેના આ પ્રકારના કહેવાથી લોકો ગુસ્સે થયા અને યુઝર્સે રૈનાને સો.મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જો કે, પાછળથી કેટલાક લોકો પણ તેના સમર્થનમાં સામે આવ્યા અને મેં ભી બ્રહ્મીન સો.મીડિયા પર ટ્રેન્ડ બની ગયો. રૈનાને તમિલનાડુ પ્રીમિયર લીગની પાંચમી સીઝનની શરૂઆતની મેચમાં કોમેન્ટ્રી માટે આમંત્રણ અપાયું હતું. આ દરમિયાન એક સવાલ ના જવાબમાં રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યા હતા, જેનાથી હંગામો મચી ગયો હતો.