(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૩
પાર્થિવ પટલે વર્ષ ૨૦૨૦ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેના કરિયરને જોકે ખતમ થવા પાછળનું કારણ ધોનીનું આગમન હોવાનું માનવામાં આવી રહ્યું હતું. આ બાબતે અનેકવાર ચર્ચાઓ પણ થઈ ચુકી છે. પરંતુ હવે પાર્થિવ પટેલ જાતે જ પોતાના ખતમ થયેલા કરિયરને લઈને સ્પષ્ટતા કરી છે. જે માટે તેમણે એમએસ ધોનીને દોષ નથી આપ્યો, પરંતુ ખુદના પ્રદર્શનને દોષી ગણાવ્યુ છે. વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલના શરુઆતના કાળ દરમ્યાનથી જ ટીમ ઈન્ડીયા કીપરની શોધમાં હતુ. પરંતુ ધોનીના આગમન પહેલા કેટલાક વર્ષ કોઈ જ કીપર પોતાનું સ્થાન ટીમમાં નિશ્ચિત કરી શક્યો નહોતો. જેમાં એક પાર્થિવ પટેલ પણ હતો કે જે ભારતીય ટીમમાં પોતાના સ્થાનને નિશ્ચિત કરી શક્યો નહોતો. વર્ષ ૨૦૦૪માં જ તેને ટીમમાંથી પડતો મુકાયો હતો અને ત્યારથી તેનુ કરિયર જાણે ખતમ જેવુ હતુ. ધોનીએ તેના સિલેકશન બાદથી પોતાનું આકર્ષણ જમાવ્યુ હતુ. ધમાકેદાર ઈનીંગ અને સ્ટંપ્સ પાછળની ભૂમિકાથી દેશ જ નહીં, દુનિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યુ હતુ. ધોનીએ લગભગ દોઢ દાયકા સુધી કહી શકાય કે ભારતીય ટીમમાં સ્થાન જાળવી રાખ્યુ સાથે જ પ્રભુત્વ પણ ટીમમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે જાળવી રાખ્યુ હતુ. આ દરમ્યાન હવે પાર્થિવ પટેલે વર્ષો સુધી ચર્ચાયેલા મુદ્દાને લઈને જાણે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું, ઈમાનદારી પૂર્વક કહુ તો મને નથી લાગતુ કે હું અનલકી હતો. મને ધોનીના પહેલા ટીમ ઈન્ડીયા તરફથી રમવા માટો મોકો મળ્યો હતો. મને ટીમમાંથી એટલા માટે ડ્રોપ કરવામાં આવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુજબનું મારુ પર્ફમોન્સ સારુ રહ્યુ નહોતુ.
ત્યારબાદ ટીમમાં એમએસ ધોની આવ્યો હતો. હું ફક્ત એ માટે ખુદને હું અનલકી ના કહી શકુ કે મને વધારે રમવાનો મોકો નથી મળ્યો. હું ડ્રોપ થવા પહેલા ૧૯ ટેસ્ટ મેચ રમી ચુક્યો હતો. હું એ પણ નથી કહી શકતો કે મને પૂરતા મોકા નથી મળ્યા. ૧૯ ટેસ્ટ મેચ વધારે હોય છે. પાર્થીવ પટેલનું ક્રિકેટ કરિયર જોવામાં આવે તો તેમને ભારત તરફથી ૨૫ ટેસ્ટ મેચ રમી છે. જ્યારે ૩૮ વન ડે મેચ રમી છે. તેમજ ૨ ટી૨૦ મેચ રમી છે. આ દરમ્યાન પાર્થિવ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ૯૩૩ રન કર્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં ૭૩૬ રન કર્યા હતા. તેમજ ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩૬ રન બનાવ્યા હતા. પટેલ આઈપીએલમાં પણ રમી ચુક્યો છે અને હવે નિવૃત્તિ બાદ મુંબઈ ઈન્ડીયન્સ માટે મહત્વનું કામ કરી રહ્યો છે.