ગુજરાત બાર કાઉન્સીલનાં ૯૯ સદસ્યો માટે ગત તા ૨૮મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાનાં ૭ વકીલો ચૂંટણી લડ્યા હતા. જેમાંથી શંકરસિંહ ગોહીલ તથા કરણસિંહ વાઘેલાનો વિજય તથા ગાંધીનગરનાં વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ બંને વિજેતાઓએ વકીલોનો આભાર માન્યો હતો. ત્યારે વકીલોનાં હિતમાં કામ કરવાની તથા સરકારમાં રજુઆત કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ગાંધીનગર બાર એશોસીએશનનાં પુર્વ પ્રમુખ તથા બીસીજી ચૂંટણીમાં વિજેતા બનેલા શંકરસિંહ એસ ગોહીલ સ્ટેન્ડીંગ ગર્વમેન્ટ કાઉન્સીલમાં પણ સેવા આપી રહ્યા છે. ગોહીલે જણાવ્યુ હતુ કે વકીલોનાં હિત માટે સતત ખડે પગે રહીશ. બાર કાઉન્સીલ દ્વારા વકીલોના મૃત્યુ કેસમાં રૂ. ૩ લાખની સહાય આપવામાં આવે છે તે રૂ.૫ લાખ કરવામાં આવે. ઉપરાંત અન્ય રૂ. ૫ લાખની સહાય રાજય સરકાર દ્વારા આપવામાં આવે, બાર કાઉન્સીલને રાજય સરકાર દ્વારા રૂ.૨૫ કરોડનું અનુદાન વિકાસ ભંડોળ તરીકે આપવામાં આવે તેમજ અન્ય રાજયોની માફરત વકીલાતનાં વ્યવસાયમાં આવનાર જુનીયર વકીલોને રૂ.૫ હજારની સહાય પ્રથમ ૫ વર્ષ સુધી આપવામાં આવે તે બાબતે સરકારમાં તમામ સ્તરે રજુઆત કરવામાં આવશે. ગોહીલે જીતની ખુશી વ્યક્ત કરીને તમામ વકિલોનો આભાર માનતા વકીલોને ગમે ત્યારે કોઇ પણ જરૂરીયાત ઉપસ્થિત થાય ત્યારે મદદ માટે તત્પર હોવાની બાંહેધરી આપી હતી.