મહારાષ્ટ્રમાં બે દિવસમાં ૧૩૬ જણનાં મોત, ૪૮ કલાક મહત્ત્વના

537

બચાવ માટે ભૂદળ, નેવી અને વાયુસેના, સમુદ્ર રક્ષક દળ, એનડીઆરએફ અને સ્ટેટ રેસ્ક્યૂ ટીમ તૈનાત છે, રાયગઢમાં લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨૪
મહારાષ્ટ્ર તરફથી અભૂતપૂર્વ કહેવામાં આવતા વરસાદનો કહેર ચાલુ જ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવાર સાંજથી અત્યારસુધી અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં કુલ ૧૩૬ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં સેનાઓની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે. ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના સાત હજારથી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારે પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરકારે બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ચિપલૂનની કોવિડ હૉસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. જેના પગલે હૉસ્પિટલમાં દાખલ આઠ લોકોનાં મોત થયા હતા. કલેક્ટર બીએન પાટીલે જાણકારી આપી કે, “ચાર લોકો વેન્ટિલેટર પર હતા. જેમના મોત વીજળીનો પુરવઠો બંધ થતા થયા હોઈ શકે છે. જ્યારે ચાર લોકો ટ્રૉમાને કારણે મોતને ભેટ્યા હતા.” આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં ૪૫ લોકોનાં મોત થયા છે. અલગ અલગ બનાવમાં ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં આશરે ૪૦ લોકો ગુમ છે. મહાડ તાલુકાના તાલિયે ગામમાં જાનહાનીની સૌથી વધારે ૩૨ કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં ભૂસ્ખલના સમાચાર છે. પોલાડપુર તાલુકાના ગોવેલ પંચાયતમાં ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યા ભૂસ્ખલન થયું હતું. જેમાં ૧૦થી વધારે ઘર પ્રભાવિત થયા હતા. ઘટનાસ્થળેથી છ મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૧૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સતારાના કલેક્ટર શેખર સિંહે જણાવ્યું કે, પાટનમાં અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયું છે. જે બાદમાં ૩૦ લોકો લાપતા બન્યા છે. ૩૦૦થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કરાડમાં ૮૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ થશે. કોલ્હાપુર અને સાંગલીમાં ૨૦૧૯ જેવી ખરાબ સ્થિતિથી બચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. મંત્રી સતેજ પાટીલે કહ્યુ કે, “કોલ્હાપુરની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે સંપૂર્ણ રીતે ’કપાઈ’ ગયા છીએ. આશરે ૩૦૦ ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ૨૦૧૯માં પૂરમાં ડૂબી ગયેલા ગામોમાંથી સતર્કતાને પગલે લોકોને ખસેડી દીધા છે. કોયના ઉપરાંત કોલ્હાપુર સ્થિત અમલટ્ટી ડેમમાંથી પાણી છોડવાની ક્ષમતા વધારવામાં આવી છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે ત્રણેય સેના ઉપરાંત એનડીઆરએફ અને રાજ્યનું બચાવદળ કામ કરી રહ્યાં છે. રાયગઢ જિલ્લામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

Previous articleભારતની મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીત્યો
Next articleકોરોનાના કેસમાં વધારો, ૨૪ કલાકમાં ૩૯,૦૯૭ કેસ, વધુ ૫૪૬ દર્દીના મોત