ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ બોટાદ જિલ્લાના ઐતિહાસિક યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર કુંડળધામની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું કે, પરમાત્માએ આપણને સુંદર પ્રકૃતિ અર્પણ કરી છે જેનું આપણે અનાવશ્યક દોહન ન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે , જો આપણે અનાવશ્યક દોહન કરીએ છીએ ત્યારે પ્રકૃતિ નારાજ થાય છે અને તેના માઠા પરિણામો આજે આપણે જોઈ શકીએ છે .રાજ્યપાલએ તેમના સંબોધનમાં કહ્યું કે વેદ વાણી આપણને મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે . તેમણે એમ પણ કહ્યું કે, આજે આપણે મનુષ્ય બનવાના બદલે ધર્મના વાડાઓમાં વહેંચાઈને એકબીજા પ્રત્યે ઈર્ષા અને દ્વેષભાવ કરીએ છીએ ,જેની વિશ્વમાં અશાંતિ ઊભી થઈ છે. રાજ્યપાલશ્રીએ સંતોના સમાજસેવા અંગેના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, સંતો વાદળ જેવા હોય છે, જેમ વાદળ સમુદ્રનું ખારું પાણી મીઠું બનાવે છે, તે જ રીતે સંતો પણ સમાજમાં પરોપકારની વૃત્તિ દ્વારા લોકોને શાતા આપે છે. આચાર્ય દેવવ્રતજી એ આ પ્રસંગે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરની પ્રવૃત્તિઓની પ્રશંશા કરતા કહ્યું કે, સંતો આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સમાજમાં મન અને આત્માને બળવાન કરી સમગ્ર વિશ્વના કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. રાજ્યપાલ અને પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ આ અવસરે વૃક્ષોનો મહિમા વર્ણવતા કહ્યું કે આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને દેવતા કહેવામાં આવ્યા છે જેમ દેવતા જીવન આપે છે તેમ વૃક્ષો પણ જીવનદાયી છે અને તેથી જ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ તેમણે ઉમેર્યું કે વૃક્ષોની પૂજા દ્વારા આપણે પરમાત્માની વ્યવસ્થામાં સહયોગ આપીએ છીએ. આ પ્રસંગે રાજ્યપાલએ કુંડળખાતે આવેલ કુંડલેશ્વર મહાદેવ, મુખ્ય મંદિર, દરબાર ગઢ, ઔષધવાટીકા, પ્રાકૃતિક કૃષિ, પવિત્ર ઉતાવળી નદી, જોગીવન તથા ગૌશાળાની મુલાકાત લઈ ગૌમાતાનું પૂજન કર્યું હતું. આ અવસરે રાજ્યપાલ દ્વારા ‘સ્વાસ્થ્ય સુધા’ અને ‘વચનામૃત’ હિંદી ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કુંડળધામના પૂજ્ય જ્ઞાનદાસજી સ્વામીના શિષ્ય અક્ષરનિવાસી સંત પુજ્ય અચલસ્વરૂપદાસજી સ્વામીની સ્મૃતિમાં ૧૧ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા હરિભક્તોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શનાબેન દેવી તથા મહેંન્દ્ર દૈયાજી, સુશીલાબેન દૈયાજી, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, પૂજ્ય ઘનશ્યામ જીવનસ્વામી, પૂજ્ય શ્રીરંગ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, સર્વ ઘનશ્યામભાઈ, અશોકભાઈ, પંકજભાઈ સહિતના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.