કોરોના ગયો નથી, ઉજવણીમાં ધ્યાન રાખવું જરૂરી છે : મોદી

259

વડાપ્રધાન મોદીએ ૭૯મી વખત મન-કી-બાત થકી દેશવાસીઓને સંબોધ્યા : : દરેક દેશવાસીને આજે ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે, તમારા તરફથી મળેલ સૂચન જ ‘મન કી બાત’ ની અસલી શક્તિ છે, આપણે નેશન ફર્સ્ટ, ઑલ્વેઝ ફર્સ્ટના મંત્ર સાથે આગળ વધવાનું છે, દેશના વિકાસ માટે એકજૂટ થવાની જરૂર
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૭૯મા કાર્યક્રમમાં રાષ્ટ્રની જનતા પાસે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ૨૭ જૂનના રોજ વડાપ્રધાન મોદીએ ગત ’મન કી બાત’ના સંબોધનમાં લોકોને રસી લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રસી લીધા બાદ ઘણા લોકોને થોડા કલાકો માટે નજીવો તાવ આવે છે.
આવા કપરા સમયે રસી ન લેવી તે તમારા પરિવાર અને ગામ માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ૭૯મી મન કી બાતમાં ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૦માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ટીમનો ઉત્સાહ વધારવા માટે પણ લોકોને તાકીદ કરી હતી. વડાપ્રધાન મોદીએ ૭૯મી મન કી બાતમાં જણાવ્યું કે, આવનારા તમામ તહેવારો માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું. તહેવારો અને ઉમંગ વચ્ચે યાદ રાખજો કે, કોરોના હજૂ ગયો નથી. તહેવારોની ઉજવણી વચ્ચે કોરોના ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાણી બચાવવા અને પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવાને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવવા માટે વિનંતી કરી છે. આપણે આપણી આવનારી પેઢી માટે પાણી બચાવવાની જરૂર છે. પાણીનું દરેક ટીપુ કિંમતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ્યોર્જિયામાં યોજાયેલો એક પ્રસંગ યાદ કર્યો હતો. જેમાં વદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા સેન્ટ ક્વીન કેટેવનનો અવશેષ જ્યોર્જિયન સરકારને આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પ્રસંગ દરમિયાન ભારત માટે કેટલાક ખૂબ પ્રશંસાત્મક શબ્દો કહેવામાં આવ્યા હતા જે હંમેશા યાદગાર રહેશે.
મોદીએ જણાવ્યું કે, હવે મણિપુરના ઉખરુલમાં સફરજનની ખેતી જોવા મળી રહી છે. જ્યાંના ખેડૂતો બગીચામાં સફરજનની ખેતી કરી રહ્યા છે. આ લોકો હિમાચલ પ્રદેશમાં અનુરૂપ તાલીમ લેવા માટે ગયા હતા. આ લોકોમાં ટીએસ રિંગફામિ યંગ છે. જે વ્યવસાયથી એરોનોટિકલ એન્જિનિયર છે. કોરોના સંક્રમણ બાદ બેરની ખેતીમાં વધારો થઇ રહ્યો છે. એક ૩૨ વર્ષના યુવાન મિત્ર ત્રિપુરાના ઉનાકોટીના બિક્રમજીત ચકમા છે. બિક્રમજીતે બેરનું વાવેતર શરૂ કર્યું હતું. જે બાદ અન્ય લોકોને પણ બેર ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે કારણે તમામને બેરના વાવેતરથી મોટો ફાયદો મળ્યો છે. એક સમય હતો, જ્યારે નાના બાંધકામોમાં પણ વર્ષોનો સમય લાગતો હતો, પરંતુ આજે ભારતમાં ટેક્નોલોજીને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણે વોકલ ફોર લોકલની જેમ રોજિંદા કામ કરતી વખતે પણ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ. આપણા દેશના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો, કલાકારો, કારીગરો, વણકરોને ટેકો આપવો તે આપણા સહજ સ્વભાવમાં હોવો જોઈએ. આવતીકાલે ૨૬ જુલાઇ છે, દેશ રાષ્ટ્ર કારગિલ વિજય દિવસની ઉજવણી કરશે. તો ચાલો આપણે વર્ષ ૧૯૯૯માં રાષ્ટ્રને ગૌરવ અપાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ. આ વર્ષે કારગિલ દિવસ અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે. કારગિલ યુદ્ધ વિશે વાંચવા અને આપણા યોદ્ધાઓને યાદ કરવા માટે હું લોકોને વિનંતી કરું છું.

Previous article૧.૧૭ લાખ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા, બેઠક વ્યવસ્થા સહિતની તૈયારી અંતિમ તબક્કામાં
Next articleપ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું