(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે પાડોશી દેશ મ્યાનમારમાં ચીનના વધી રહેલા પગપેસારાને લઈને ચેતવણી આપી છે.
જનરલ રાવતે એક વેબિનારમાં કહ્યુ હતુ કે, ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની જરૂર છે. મ્યાનમારમાં ફેબ્રૂઆરી મહિનામાં સત્તા પલટો થયો છે અને તેના પર આંતરરાષ્ટ્રિય પ્રતિબંધો લાગેલા છે. જેના પગલે ચીન હવે આ દેશમાં પોતાની વગ વધારવા માટે પ્રયાસો કરી રહ્યુ છે. એવુ મનાય છે કે, મ્યાનમારમાં ચીનના બેલ્ડ એન્ડ રોડ ઈનિશિએટિવને આ પ્રતિબંધોના કારણે વેગ મળશે. તેમણે કહ્યુ હતુ કે, મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે. રોહિગ્યા શરણાર્થીઓની આ દેશમાં હાજરી પણ ભારત માટે ચિંતાનો વિષય છે. જેનો ઉપયોગ કટ્ટરપંથી સંગઠનો દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવા માટે થઈ શકે છે. ચીન સિવાય પૂર્વોત્તર વિસ્તારમાં બોર્ડર પર ઘૂસણખોરી તેમજ ડ્રગ્સની હેરફેર ભારત માટે ચિંતાનો વિષય છે. જોકે ભારત દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદ વિરોધી અભિયાન તેમજ આ રાજ્યોની બોર્ડર સાથે જોડાયેલા દેશોમાં કટ્ટરવાદી સંગઠનોના આશ્રયસ્થાનોને થયેલા નુકસાનના કારણે આ રાજ્યોમાં હિંસા ઓછી થઈ છે પણ તેનો લાભ લઈને આ ક્ષેત્રમાં શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરવા પડશે.