ધો.૯ થી ૧૧ના ઓફલાઈન વર્ગો શરૂ થતા શાળાઓ ફરી વિદ્યાર્થીના કલરવથી ગુંજી ઉઠી

627

શાળાએ આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ જરુરી અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં આજથી શાળાઓ રાબેતા મુજબ ધમધમતી થશે પ્રથમ ધોરણ બાર અને કોલેજના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ ૯ થી ૧૧ સુધીના વર્ગોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો જેને વાલીગણ દ્વારા સહર્ષ વધાવવામા આવ્યો છે.લાંબા સમય બાદ ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ થશે, કોરોના મહામારીની બીજી ઘાતક લહેરને પગલે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ લાગું કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે સંક્રમણ કાબૂમાં આવી જતા પરિસ્થિતિ સામાન્ય છે, આથી રાજ્ય સરકારે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને આજથી ધોરણ ૯ થી ૧૧ સુધીના વર્ગોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ થયું છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ૫૦ ટકા કેપીસીટી સાથે મંજૂરી આપવામાં આવી છે આથી શાળાનાં સંચાલકોએ પણ વ્યવસ્થા ગોઠવી છે. ધનેશ મહેતા શાળાના આચાર્ય એમ.કે ધેવરિયાએ જણાવ્યું હતું કે શાળામાં આવનાર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓનુ સંમતિ પ્રત્રક ભરવું અનિવાર્ય બનાવ્યું છે અને ૭૫ ટકા થી વધુ વાલીઓએ સંમતિપત્રક ભરી શાળાઓને સોંપી દીધું છે, તો બીજી તરફ સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે શાળાના વર્ગખંડો માં તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે આજથી શરૂ થયેલા શૈક્ષણિક કાર્યને લઈને વિદ્યાર્થીઓ-વાલીઓ માં પણ ખુશી જોવા મળી રહી છે.
બાળકોની માનસીક સ્થિતી સુધરશે
છેલ્લા દોઢ વર્ષથી શાળાએ આવી અભ્યાસ કરવાથી વંચિત રહેવા સાથે ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આખરે કંટાળ્યા હતા. અને ઓનલાઈન અભ્યાસક્રમના કારણે અભ્યાસમાં મજા ન આવવા ઉપરાંત માનસીક સ્થિતી પણ ડામાડોળ થઈ જવા પામેલ અને શિક્ષણ સ્તર પણ નબળું પડવા લાગ્યુ હતું. ત્યારે સરકાર દ્વારા ૯થી૧૨ના ઓફલાઈન શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવાના નિર્ણયને શાળા સંચાલકો દ્વારા આવકારવામાં આવ્યો હતો અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો અને હવે શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓની નબળી પડેલી માનસીકતામાં પણ સુધારો થશે અને યોગ્ય અભ્યાસ થશે એવું શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા જણાવાયુ હતું.
હવે મોબાઈલ નેટવર્કની ઝંઝટમાંથી છુટકારો મળશે
છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. પ્રશ્નોનું સોલ્યુશન ન થવા ઉપરાંત મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ પણ વિદ્યાર્થીઓને ખુબજ સતાવતો હતો જ્યારે સતત બે પાંચ કલાક સુધી મોબાઈલ પર અભ્યાસ કરવાથી માનસીક સ્થિતી પણ બગડતી હતી અને આંખોને પણ નુકશાન થઈ રહ્યુ હતું. ત્યારે હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓ આનંદીત થયા છે અને હવે ઓનલાઈન અભ્યાસક્રમમાં મોબાઈલના નેટવર્કની પડતી મુશ્કેલીઓની ઝંઝટમાંથી છુટકારો મળશે અને શાળાએ જઈ અભ્યાસ કરવાથી વિદ્યાર્થીની કુશળતાઓમાં નિખાર આવશે. અને એક બિજા મિત્રો સાથે મળી ચર્ચાઓ કરી શકશે તેવું શાળાએ પહોચેલા વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયુ હતું.

Previous articleરૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થતા યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કલેકટર દ્વારા બેઠક
Next articleભારે વરસાદની આગાહી વચ્ચે શહેર-જિલ્લામાં હળવા ઝાપટાં સાથે મેઘરાજાના મંડાણ થયા