દેશમાં ૩૯,૩૬૧ નવા કોરોનાના કેસ, ૪૧૬ દર્દીઓના મોત

452

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૬
દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે અને આ મહામારીનાં મૃત્યુઆંકમાં વધારો થતો જ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ નાં ૩૯,૩૬૧ નવા કેસોની પુષ્ટિ થઈ અને ૪૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, એક્ટિવ કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. સોમવારે માહિતી જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં ૩૯,૩૬૧ નવા કેસ મળી આવ્યા છે, જ્યારે ૩૫,૯૬૮ દર્દીઓ ઠીક થયા છે. વળી, આ સમયગાળા દરમ્યાન કોરોના સંક્રમણનાં કારણે ૪૧૬ દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. આ નવા આંકડા પછી, દેશમાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસો વધીને ૪,૧૧,૧૮૯ અને કોરોના વાયરસનાં રિકવર દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૫,૭૯,૧૦૬ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, રવિવારે દેશનાં દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૭ હજારથી વધુ કેસ નોંધાયા હતા. વળી આરોગ્ય મંત્રાલયનાં ડેટામાં એ પણ બહાર આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૦ થી, ભારતમાં કોરોના વાયરસથી લગભગ અડધા મૃત્યુ આ વર્ષે એપ્રિલ અને મે મહિનાનાં માત્ર બે મહિનામાં થયા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનાં ભય વચ્ચે રસીકરણ અભિયાન પણ ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે. અને અત્યાર સુધીમાં રસીનાં કુલ ૪૩,૫૧,૯૬,૦૦૧ ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રસીનાં લગભગ ૪૫૩ મિલિયન ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ ખતમ થયો નથી, કોવિડ-૧૯ નાં કેસો વધીને ૧૯.૪ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ ૪૧.૫ લાખ લોકોનાં મોત થયાં છે અને ૩૮૪ કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

Previous articleરાજ્યના ૨૪૦ તાલુકામાં વરસાદ, લોધિકામાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ
Next articleરાજ્યમાં કોરોનાના બે વેરિયન્ટ મળી આવતા સરકાર ફફડી