(જી.એન.એસ)ટોક્યો,તા.૨૬
ટોક્યો ઓલિમ્પિકના ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી નથી રહી. તીરંદાજીથી લઈને નિશાનેબાજી સુધી દરેક જગ્યાએ ભારતને નિરાશા સાંપડી છે. ત્યારે હવે દેશની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા પણ ત્રીજા તબક્કામાં હારીને બહાર થઈ ગઈ છે. મનિકાની હાર સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી ટેબલ ટેનિસમાં મહિલા પડકાર સમાપ્ત થયો છે.
એક રીતે દિવસની શરૂઆત સારી રહી હતી જ્યારે ભવાની દેવી અને પુરૂષ તીરંદાજી ટીમે પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો. પરંતુ ત્યાર બાદ પછીના તબક્કામાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા મુકાબલામાં જીત નોંધાવનારી ભારતીય તલવારબાજ સીએ ભવાનીએ પછીના તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભવાનીને વિશ્વની નંબર ૪ ફ્રાંસની માનોન બ્રૂનેટે પરાજય આપ્યો હતો. આ પરાજય બાદ ટોક્યો ઓલમ્પિકમાં સીએ ભવાનીની સફર પૂરી થઈ હતી. જોકે તેના પહેલા ભવાનીએ ટ્યૂનીશિયાની બેન અજીજી નાદિયાને માત આપીને પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો.