(જી.એન.એસ.)ચંડીગઢ,તા.૨૬
શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખવીરસિંહ બાદલે જણાવ્યું હતું કે પ્રાદેશિક પક્ષોએ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સામનો કરવા માટે નવો રાષ્ટ્રીય મોરચો રચવો જોઇએ. તેમણે શિરોમણિ અકાલી દળ અને ભારતીય જનતા પક્ષ વચ્ચેના જોડાણનો અંત આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. પેગાસસ સ્પાઇવૅરનો દુરુપયોગ કરીને રાજકારણીઓ, ઍક્ટિવિસ્ટ્સ અને પત્રકારોની કરાતી જાસૂસીના સંબંધમાં પુછાયેલા સવાલના જવાબમાં સુખવીરસિંહ બાદલે જણાવ્યું હતું કે આ પ્રકરણ લોકશાહી પરનો હુમલો ગણાય અને તેની તપાસ માટે વિપક્ષના સાંસદના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ રચવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે આ આખું જાસૂસી પ્રકરણ દેશના બંધારણ, લોકશાહી અને જનતાના અધિકાર પરનો હુમલો છે. આ પ્રવૃત્તિ સિદ્ધાંતની વિરુદ્ધ ગણાય અને તેની તપાસ વિપક્ષના સાંસદના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિને સોંપવી જોઇએ. શિરોમણિ અકાલી દળના પ્રમુખે જણાવ્યું હતું કે અમારો પક્ષ ખેડૂતોનું હિત ઇચ્છનારો પક્ષ છે. ખેડૂતોની સમસ્યા અમારા માટે મહત્ત્વની છે. અમે કોઇ પણ ભોગે નવા ત્રણ કૃષિ કાયદાનો પંજાબમાં અમલ થવા નહિ દઇએ. અગાઉ, સુખવીરસિંહ બાદલની પત્ની હરસિમરતકૌરે નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્રના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક પક્ષોએ એક થવાની જરૂર છે. પ્રાદેશિક પક્ષો લોકોની સાથે વધુ સારો અને નજીકનો સંપર્ક ધરાવે છે તેમ જ તેઓને વધુ સારી રીતે સમજે છે. સુખવીરસિંહ બાદલે જણાવ્યું હતું કે અમે વિવિધ રાજકીય પક્ષ સાથે મંત્રણા કરી રહ્યા છીએ. પ્રાદેશિક પક્ષોએ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીની પહેલાં નવો મોરચો રચવો જોઇએ. મને આશા છે કે ૨૦૨૪ની પહેલાં આ મોરચો ઘણો જ શક્તિશાળી બની જશે.