મોદી સરકાર લોકસભાની બેઠકો ૧૦૦૦ કરવાની ફિરાકમાંઃ મનિષ તિવારીનો દાવો

137

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
લોકસભાની આગામી ચૂંટણીમાં બેઠકોની સંખ્યા વધારીને ૧૦૦૦ કરવા માટે સરકાર વિચારી રહી છે તેવો દાવો કોંગ્રેસના સિનિયર નેતા મનિષ તિવારીએ કર્યો છે. જેના પગલે એક નવી ચર્ચા છેડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યુ હતુ કે, મોદી સરકાર લોકસભામાં સંસદ સંખ્યોની સંખ્યા વધારવા માંગે છે અને તે ૧૦૦૦ પર પહોંચી શકે છે. તેના પર સાર્વજનિક ચર્ચા કરવાની જરૂર છે. કોંગ્રેસ સાંસદના દાવાથી એક નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે, મને ખબર નથી કે સાચુ શું છે અને ખોટુ શું છે પણ મિત્રોએ મને કહ્યુ છે કે, ૨૦૨૪ પહેલા લોકસભાની સંખ્યા વધારીને ૧૦૦૦ કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ જાણકારી મને ભાજપના સાંસદો તરફથી જ મળી છે. તેમની વાતનુ પાર્ટીના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ સમર્થન કર્યુ છે. કાર્તિએ કહ્યુ હતુ કે, આ નિર્ણય પહેલા જાહેર ચર્ચા કરવી જરૂરી છે. મોટો દેશ હોવાના નાતે વધારે સાંસદોની જરૂર છે પણ જો જનસંખ્યાના આધારે બેઠકો વધારવામાં આવી તો દક્ષિણ ભારતના રાજયોનુ પ્રતિનિધિત્વ ઘટી જશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ દેશમાં વસતીને ધ્યાનમાં રાખીને સંસદમાં બેઠકોની સંખ્યા વધારવાની જરૂર છે તેમ કહ્યુ હતુ. ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુના ભાષણોના સંકલનનુ વિમોચન કરતી વખતે પ્રણવ મુખરજીએ આ વાત કહી હતી અને કહ્યુ હતુ કે, વસતીની સામે લોકોને તે પ્રમાણે સંસદમાં પુરતુ પ્રતિનિધિત્વ મળવુ જોઈએ.

Previous article૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા નવો રાષ્ટ્રીય મોરચો રચવો જોઇએ
Next articleદિલ્હીની જેમ લખનૌના તમામ રસ્તાઓ ખેડૂતો દ્વારા સીલ કરાશેઃ ટિકૈત