(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરૂધ્ધ ખેડુતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સોમવારે લખનૌમાં સયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર સામે આરપારની લડાઈ લડવાની ઘોષણા કરી છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે હવે લખનૌને પણ દિલ્હીની જેમ બનાવવામાં આવશે. જે રીતે દિલ્હીમાં બધા રસ્તા સીલ કરવામાં આવ્યા છે, તેવી જ રીતે અહીંના તમામ રસ્તાઓ ખેડૂતો દ્વારા સીલ કરવામાં આવશે. અમે તેની તૈયારી કરીશું. લખનઉના પ્રેસ ક્લબમાં સંયુક્ત કિસાન મોરચામાં ખેડૂત આગેવાનો રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ સહીત ઘણા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મિશન ઉત્તર પ્રદેશ અંતર્ગત સંયુક્ત કિસાન મોરચા સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ મોરચો ખોલવાની વાત કરવામાં આવી છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે યુપી હંમેશા આંદોલનનું રાજ્ય રહ્યું છે. મૂંગના ખેડૂતોએ ૩૦૦૦ રૂપિયા સસ્તામાં પાક વેચ્યો. બટાટાના ખેડૂતો બરબાદ થઈ ગયા. શેરડીના ખેડુતોની ૧૨ હજાર કરોડની ચુકવણી બાકી છે. પાછલી સરકારોમાં આંદોલન થયા પછી દર વધતો રહ્યો પરંતુ આ સરકારે કંઈપણ વધાર્યું નહીં. યુપીમાં ખેડૂતોને સૌથી મોંઘી વીજળી મળે છે. ટિકૈતે કહ્યું કે ૫ સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત યોજીને આંદોલન શરૂ કરશે. ૮ મહિનાના આંદોલન બાદ સયુક્ત મોરચાએ નિર્ણય લીધો છે કે યુપી અને ઉત્તરાખંડની સાથે અમે આખા દેશમાં આંદોલન શરૂ કરવામાં આવશે. રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી ત્રણેય કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછુ નહીં ખેચાય. લખનૌને પણ દિલ્હી બનાવવામાં આવશે. લખનૌની આજુબાજુના રસ્તાઓ પણ તે જ હાલતમાં હશે જે દિલ્હીમાં બન્યું છે.