ભાગેડુ મેહુલ ચોકસીએ અપહરણને લઇ સૌથી મોટો ખુલાસો કર્યો

196

(જી.એન.એસ.)એન્ટિગુઆ,તા.૨૬
લાંબા સમયથી પંજાબ નેશનલ બેંક સ્કેમ કેસમાં આરોપી મેહુલ ચોક્સીને ભારત પાછો લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મેહુલ ચોક્સી હાલ કેરેબિયન દેશ એન્ટીગા ખાતે છે અને તેણે એન્ટીગાથી ડોમિનિકા લઈ જવાની વાત અંગે ખુલાસો કર્યો છે. મેહુલ ચોક્સીએ જણાવ્યું કે, ૨૩ મેના રોજ તેને બારબરા જરાબિકાની મુલાકાત લેવાની હતી અને તેમણે ડિનર પર જવાનું હતું. સામાન્ય રીતે તે દરરોજ વોક માટે નીકળે છે અને તે કાર લઈને નીકળ્યો હતો અને તેના ઘરે પહોંચ્યો હતો. મેહુલ ચોક્સીના કહેવા પ્રમાણે તે ઘરમાં ગયો અને થોડી મિનિટોમાં જ ત્યાં કંઈક અવાજ થયો અને ૭-૮ લોકો ઘરમાં ઘૂસી આવ્યા. તેમણે મને ત્યાંથી પુછપરછ કરવા માટે ઉઠાવી લીધો અને બળજબરીથી લઈ ગયા. પીએનબી કેસના આરોપી મેહુલ ચોક્સીએ જણાવ્યું કે, તેણે લડવા માટે પ્રયત્ન કર્યો હતો કારણ કે લાંબા સમયથી એ ચર્ચા ચાલી રહી હતી કે મારૂ અપહરણ થઈ શકે છે. જ્યારથી ભારતમાં ચૂંટણી થઈ ત્યારથી કિડનેપિંગ, મારપીટની વાતો સામે આવી રહી હતી. મારા મિત્રો હંમેશા કહેતા કે એન્ટીગા સુરક્ષિત જગ્યા છે પરંતુ જ્યારે વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારે લોકોએ મને ચેતવ્યો હતો. પોતાની મિત્ર બારબરા અંગે મેહુલ ચોક્સીએ જણાવ્યું કે, તે એને પહેલા નામથી જ ઓળખે છે. તે સિવાય મેહુલ ચોક્સીએ ગુરમીત સિંહ અને ગુરજીતને ઓળખ્યા હતા અને તે લોકો જ બારબરાના ઘરે આવ્યા હોવાનું જણાવ્યું હતું. મેહુલના કહેવા પ્રમાણે તેને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, તે બંને રૉના એજન્ટ છે અને તેને લેવા માટે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી પર ભારતમાં પીએનબીને ૧૩ હજાર કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. મેહુલ ચોક્સી ૨૦૧૮ના વર્ષથી ભારતમાંથી ભાગી ગયો હતો અને હજુ સુધી પાછો નથી આવ્યો. તે એન્ટીગામાં રહે છે અને થોડા સમય પહેલા ડોમિનિકા પહોંચી ગયો હતો. ડોમિનિકામાં તે લાંબો સમય જેલમાં રહ્યો અને હવે મેડિકલ ગ્રાઉન્ડ પર એન્ટીગા પાછો આવ્યો છે.

Previous articleદિલ્હીની જેમ લખનૌના તમામ રસ્તાઓ ખેડૂતો દ્વારા સીલ કરાશેઃ ટિકૈત
Next articleગોવા સરકારે કર્ફ્યૂની અવધિ ૨ ઓગસ્ટ સુધી વધારી