(જી.એન.એસ.)જામનગર,તા.૨૬
૨૦૧૯માં રાજ્યમાં બિટકોઇન કૌભાંડ મામલે ચર્ચામાં રહેલી નિશા ગોંડલિયાએ આજે જામનગરમાં નવો ધડાકો કર્યો છે. પત્રકાર પરિષદ યોજીને નિશાએ જણાવ્યું છેકે, તે વિદેશથી પરત આવી ત્યારથી તેને ધમકીઓ મળી રહી છે. ગુજસીટોકના આરોપીઓને જયેશ પટેલના સાગરિતો કે જે હજી બહાર ફરી રહ્યાં છે તેઓ પેરોલ પર છોડવવાના પ્રયાસો કરી રહ્યાં છે. જો આ આરોપીઓ પેરોલ પર છૂટી જશે તો તેઓ અલગ પાસપોર્ટ અને આઇડેન્ટિટી બનાવીને વિદેશ ભાગી જશે. જયેશના ૧૦થી ૧૨ લોકો હજી બહાર છે, જેના નામ તે પછીથી જણાવશે તેમ નિશાએ કહ્યું છે.
નિશા ગોંડલિયાએ જણાવ્યું હતું કે, જયેશ પટેલ અત્યારે જેલમાં છે. ૧૩થી ૧૪ વ્યકિતઓ હાલ ગુજસીટોકમાં જેલ હવાલે છે. જ્યારે ૧૦થી ૧૨ લોકો હજી બહાર જ છે. આ સાગરિતોના નામ હજી બહાર આવ્યા નથી. અમુક ફરાર છે જ્યારે અમુક હજી બહાર નથી આવ્યા. તેઓ ગુજસીટોકના આરોપને પેરોલ કરાવી, બહાર કાઢી વિદેશ ભગાડી દેવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જે દિશામાં સરકાર ધ્યાન આપે અને યોગ્ય ન્યાય કરે તેવી વિનંતી છે. નિશાએ વધુમાં જણાવ્યું છે કે, મને અને આહિર સમાજના અગ્રણીને આ લડતમાં પાછા પાડવા માટે અમને હરેાન કરવા બદનામ કરવા, સમાજમાં ખોટી રીતે પ્રશ્ન ઉભા થાય એ માટે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જયેશની પત્ની ધ્રુતી રાણપણિયા દ્વારા આહિર અગ્રણીને અવાર નવાર બ્લેક મેઇલિંગ કરવામાં આવ્યા હતા. જેનું નિવેદન આહિર અગ્રણીએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું છે. હું આટલા સમય જામનગરથી બહાર હતી. પહેલા પણ મારી લડત ખોટી ન હતી. આજે પણ નથી. પરંતુ મને ફરિયાદીમાંથી આરોપી બનાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું. મારી ધરપકડ ન થાય એ માટેનો સ્ટે આવ્યો છે. મારી લડતમાં મે હર હંમેશ પોલીસને મદદ કરી છે. પોલીસ તંત્રે પણ મારી મદદ કરી છે. વિદેશથી આવ્યા બાદ મને પ્રેસ કોન્ફરન્સ ન કરવા, કંઇ ન બોલવા ધમકી આપવામાં આવી રહી છે.