(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૬
એલએસી પર ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે ભારત-ચીનના મિલિટ્રી અધિકારીઓ વચ્ચે ૧૨માં તબક્કાની બેઠક ૩૧ જુલાઈએ યોજાશે. ચીને અગાઉ ૨૬ જુલાઈએ બેઠકનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે ભારતે કારગિલ વિજય દિવસને કારણે બેઠક માટે બીજી તારીખ નક્કી કરવાની માંગ કરી હતી. ૩૧ જુલાઈએ યોજાનારી બેઠકમાં ભારતનું ફોકસ ગોગરા, હૉટ સ્પ્રિંગ અને દેસપાંગમાં ૯૦૦ કિ.મી.ના વિસ્તારમાં ચાલી રહેલા તણાવનો અંત લાવવા ચર્ચા થશે. ભારત ઈચ્છે છે કે અહીં ગત વર્ષ અગાઉની સ્થિતિ ફરી સ્થાપિત થાય. જોકે ચીન આ માટે તૈયાર નથી. ભારત ગોગરા અને હૉટ સ્પ્રિંગના તમામ મુદ્દા વહેલી તકે ઉકેલવા માગે છે, કારણ કે દેપસાંગમાં બંને દેશો વચ્ચે સરળતાથી સહમતિ સધાય તેવું લાગતું નથી. ચીની સેના હવે પૂર્વીય લદ્દાખમાં ડેમચોકના ચારદિંગ નાલા વિસ્તારમાં ભારતીય ક્ષેત્રમાં ટેન્ટ લગાવી રહ્યું છે. અહીં કથિત રીતે ચીનના નાગરિકો પણ રહી રહ્યાં છે અને વારંવાર કહેવા પર પણ તેઓ વિસ્તાર ખાલી કરી રહ્યાં નથી. અત્યાર સુધી ભારત અને ચીન વચ્ચે ૧૧ વખત બેઠકો થઈ ચૂકી છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખરાબ થઈ રહ્યાં છે. બંનેની સેના ભારે શસ્ત્રો અને હજારો સૈનિકો સાથે આમને-સામને છે. ભારતે આ વિસ્તારમાં સેના, વાયુસેના અને નૌકાદળના ખતરનાક કમાન્ડો તૈનાત કરી રાખ્યાં છે. અનેક મહિનાઓથી લડાકુ વિમાનો સતત ઉડાન ભરી રહ્યાં છે. એવામાં લાંબી જમાવટના હિસાબથી ભારતે લોજિસ્ટિક્સ સહિત અન્ય આવશ્યક ચીજોની ડિલિવરી કરી દીધી હતી.