ઉલ્ટા ચશ્માની આખી ટીમે વિશેષ કરાર પર સહી કરી

334

મે મહિનામાં મુનમુન દત્તાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરેલા વીડિયોમાં જાતિસૂચક શબ્દ વાપર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૬
તાજેતરમાં જ ટેલિવિઝનની દુનિયામાં ગણગણાટ હતો કે, એક્ટ્રેસ મુનમુન દત્તાએ સીરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ અફવા ઉડતાં જ પ્રોડક્શન હાઉસ તરફથી સ્પષ્ટતાં કરવામાં આવી હતી કે, બબીતાનો રોલ કરતી મુનમુન શો ભાગ છે અને રહેશે. મુનમુને એક મહિના કરતાં વધુ સમયથી ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ નથી કર્યું ત્યારે જોવાનું એ છે કે, પ્રોડક્શન તરફથી કરાયેલી સ્પષ્ટતા બાદ તે ક્યારે સેટ પર પાછી ફરે છે. પરંતુ હાલ તો મુનમુન દત્તાના કારણે શોના બાકીના કલાકારોને ભોગવવાનો વારો આવ્યો છે. વાત એમ છે કે, મે મહિનામાં મુનમુન દત્તાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરેલા વિડીયોમાં જાતિસૂચક શબ્દ વાપર્યો હતો. જેના કારણે હોબાળો થયો હતો. ભૂલનું ભાન થતાં મુનમુને વિડીયોનો એટલો ટુકડો ડિલીટ કર્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માફી માગી હતી. તેમ છતાં મુનમુન સામે દેશના વિવિધ શહેરોમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ ઘટના બાદથી મુનમુને ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ કર્યું નથી. હવે ટીવીને અંદરની વાત જાણવા મળી છે. શોના પ્રોડ્યુસર આસિત મોદી ઈચ્છે છે કે મુનમુન દત્તા જાતિસૂચક શબ્દ વાપરવા બદલ વિડીયો રેકોર્ડ કરીને માફી માગે. આસિત મોદીને લાગે છે કે મુનમુન સાથે જોડાયેલો વિવાદ શમ્યો નથી અને માટે તે બીજીવાર માફી માગે તેવું ઈચ્છે છે. સત્તાવાર માહિતી મળી છે કે, મુનમુન દત્તાના આ વિવાદ પછી શોના પ્રોડક્શન હાઉસે દરેક કલાકાર પાસે લેખિત કરાર કરાવ્યો છે કે, લોકોની લાગણીઓ દુભાય તેવો કોઈપણ અપશબ્દ કે જાતિસૂચક/ધર્મસૂચક શબ્દ નહીં ઉચ્ચારે. પ્રોડક્શન હાઉસે આ પ્રકારના લેખિત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનું કહેતા કલાકારો આશ્ચર્યમાં મૂકાયા હતા પરંતુ શોના પ્રોડ્યુસર સહી કરાવાનો મક્કમ નિર્ણય લઈ ચૂક્યા હતા. આ કરારની હાર્ડ કોપી દરેક એક્ટરને આપી દેવાઈ હતી અને તેમની સહી પણ લઈ લેવામાં આવી છે.

Previous articleસિદ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ શેરશાહનું ટ્રેલર રિલીઝ
Next articleસલમાન ખાને હાથ જોડીને અથિયા શેટ્ટીની માફી માગી