૧૯૭૬માં કાળિયાર નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવીનેશનલ પાર્કમાં હાલ ૩૦૦૦ કરતાં વધુ કાળિયારનો વસવાટ
ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે ૩૦૦૦ જેટલા કાળિયાર કેમેરામાં કેદ થયા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જોવા મળી રહ્યું છે.કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયાએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ આ વીડિયો ઉતાર્યો હતો અને વેળાવદરથી બે કિલોમીટર દૂર અભયારણ્યની વચ્ચેનો આ વિસ્તાર છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભયારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મૂવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જોવા મળતો હોય છે. હાલમાં વરસાદ પડેલો હોઈ હરણો એકજૂથમાં વધારે ફરતાં હોય છે.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ઇર્હ્લં અંકુરભાઈ પટેલે જણાવ્યું હતું કે નેશનલ પાર્ક ૩૪૦૦ હેકટર અને બહારની સાઈડ ૨૦૦૦ હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં ૨૫૦૦થી ૩૦૦૦ જેટલા કળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લાં ૫ વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે. પ્રવાસીઓ ૧૬ ઓક્ટોબરથી ૧૫ જૂન સુધી નેશનલ પાર્કની મુલાકાત લેતા હોય છે. ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે વર્ષ ૧૯૭૬માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામા આવી હતી. એ સમયે ઉદ્યાનનો આરક્ષિત વિસ્તાર ૧૭.૮૮ ચોરસ કિમીનો હતો. ત્યાર બાદ સમયાંતરે એમાં વધારો થતાં હાલ ૩૪ કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે. એક અંદાજ મુજબ, હાલ અહીં ૩૦૦૦ કરતાં વધુ કાળિયાર વસવાટ કરી રહ્યા છે.ભાવનગરથી ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી ૪૫ કિમી દૂર છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝુંડ હંમેશાંથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે, જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે, જેના પર કાળિયાર વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ ઉદ્યાનની પ્રાણીસૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલાં, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ પણ સાથે વસવાટ કરે છે. અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મૂષક છે. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરાં પણ અહીં દેખાય છે.