રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં ફક્ત ઝાપટા પડતા શહેરીજનો નિરાશ

605

વરસાદી ઝાપટાના કારણે શહેરી વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજય સર્જાયું
ભાવનગર શહેરમાં ૨૪ કલાક ઝરમરીયા ઝાપટાં રૂપે હાજરી આપ્યાં બાદ વરસાદનુ જોર ઓસરી જતાં શહેરીજનો નિરાશ થયા છે, હવામાન વિભાગે ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉચ્ચારી હતી પરંતુ ભાવનગરમાં તંત્રની આગાહી રાબેતા મુજબ ફ્લોપ સાબિત થઈ છે. ભાવનગરીઓનો હવામાન વિભાગ પ્રત્યેનો વિશ્વાસ ફરી ડગમગી ગયો છે ગત તા.૨૩-૭ને શુક્રવારે રાજ્યના હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી હતી. પરંતુ આ આગાહીમાથી મેઘરાજાએ ભાવેણાને બાકાત કરી નાખ્યું હોય એવું લાગી રહ્યું છે ઘણાં સમયથી ગોહિલવાડ વાસીઓ વરસાદની ચાતક નઝરે રાહ જોઈ રહ્યાં હતા.આ આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર સહિતના શહેરોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા પણ ખરાં પરંતુ મેઘ કૃપાની યાદી માથી ભાવનગરનું નામ કમી કરી નાખ્યું છે. શનિવાર સવારથી જામેલો મેઘાવી માહોલ મંગળવાર બપોર સુધી અકબંધ રહ્યો હતો પરંતુ ત્યારબાદ ક્રમશઃ વરસાદ નું જોર ઘટતાં વાદળો વિખરાઈ ગયાં હતાં અને ઢળતી બપોરે સૂર્યનારાયણ-વાદળો વચ્ચે માત્ર સંતાકૂકડી નો ખેલ બાકી રહ્યો હતો શનિવારે રાત્રે ધીમી ધારે શરૂ થયેલા ઝાપટાં સોમવાર સવાર સુધી ચાલું રહ્યાં હતાં ઝરમરીયા વરસાદ ને પગલે ચોમેર કાદવ-કિચડ નું સામ્રાજ્ય છવાયું હતું. વરસાદી માહોલ વિખરાતા બફારો-ગરમી એ પોતાનું સ્થાન પુનઃ લઈ લીધું છે તો બીજી તરફ જિલ્લા માં પણ આજ સ્થિતિ રહી છે મહુવા, પાલિતાણામા એક ઇંચ વરસાદ થયો હતો આ સિવાય અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી ભાવનગર માં મેઘરાજાએ લોકોને હાથતાળી આપતાં લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે હા આ વરસાદ ને પગલે ચોમાસું મોલાતને ઓક્સિજન રૂપી જીવતદાન ચોક્કસ ગણી શકાય આ અંગે ધરતીપુત્રો જણાવે છે કે આ “મોલ મેં” ગણી શકાય પરંતુ સારા ઉત્પાદન માટે હવે ધોધમાર વરસાદની તાતી જરૂરિયાત છે.

Previous articleડીઝલના વધતા ભાવ વચ્ચે ટ્રકચાલકોને ભાડામાં વધારો ના અપાતા આજથી ટ્રકોના પૈડાં થંભી ગયા
Next articleકાલે મહાપાલિકાની સાધારણ સભા મળશે : ૮ ઠરાવો રજુ થશે