કાલે મહાપાલિકાની સાધારણ સભા મળશે : ૮ ઠરાવો રજુ થશે

607

ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભા આવતીકાલે તા.૨૮-૭-૨૦૨૧ને બુધવારે સાંજના ૪ કલાકે સભાગૃહ ખાતે મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષ સ્થાને મળશે. આ સભામાં કુલ ૮ જેટલા ઠરાવો તેમજ અધ્યક્ષ સ્થાનેથી જે ઠરાવ રજુ થશે તે અંગે ચર્ચા વિચારણી કરી નિર્ણય કરાશે. ઉપરાંત સભાના પ્રારંભે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિપક્ષ અને સત્તાધારી પક્ષના ચુંટાયેલા સદસ્યોએ રજુ કરેલા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી નિર્ણય કરાશે. આ મળનારી સાધારણ સભામાં લીઝ પટ્ટા રિન્યુ કરાવવા, કર્મચારીઓની બિમારી સબબ આર્થિક સહાય આપવા તેમજ મહાપાલિકાની જુદી જુદી ટીપી સ્કિમોમાં જુદા જુદા હેતુ માટે આવેલ ૧૮ ફાયનલ પ્લોટની ઓનલાઇન પદ્ધતિથી નિકાલ કરવા અંગેના ઠરાવ રજુ થશે. આ ઉપરાંત ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિ દ્વારા ચાલુ વર્ષે અંગ્રેજી માધ્યમમાં જુનિયર કે.જી. અને સિનીયર કે.જી.ના પ્રારંભીકના વર્ગો શરૂ કરવા નિર્ણય કરાશે. તેમજ FSSA ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં કુલ ૪ સીટ ક્લીન ફુડ સ્ટ્રીટ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ત્રણ સ્ટ્રીટ ગુજરાતમાં બે અમદાવાદમાં એક સુરતમાં આવેલ છે. જે અંગે મુખ્યમંત્રી દ્વારા કેબિનેટ બેઠકમાં રાજ્યના દરેક મહાપાલિકામાં એક ક્લિન ફુડ સ્ટ્રીટ હોવા અંગે સુચન થયેલ તે મુજબ ભાવનગર શહેરના ઘોઘાસર્કલથી વૃધ્ધાશ્રમ જતા રસ્તા પર ઘોઘા સર્કલ સંસ્કાર કેન્દ્રની દિવાલને સમાંતર સ્થળ ધ્યાને લઇ લેવામાં આવેલ જે અંગે ચર્ચા વિચારણા કરી આ વિસ્તારમાં ક્લિન ફુડ સ્ટ્રીટ બનાવવા નિર્ણય કરાશે. આમ, આ મળનારી સાધારણ સભામાં આઠ જેટલા ઠરાવો રજુ થશે.

Previous articleરાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં ફક્ત ઝાપટા પડતા શહેરીજનો નિરાશ
Next articleઘોઘારોડ હત્યા કેસમાં સાતને આજીવન કેદ