ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં આરોગ્યમંત્રીએ રસીકરણ અંગે સાંસદોને માહિતી આપી
(સં.સ. સે.) નવી દિલ્હી, તા.૨૭
કોરોના વાયરસની ત્રીજી લહેરના ભય વચ્ચે રાહતનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના જણાવ્યા અનુસાર ઓગસ્ટ સુધીમાં દેશમાં બાળકો માટે કોરોના રસી આવે તેવી શક્યતા છે. મંગળવારે સંસદ ભવનમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં આરોગ્યમંત્રીએ રસીકરણ અંગે સાંસદોને માહિતી આપી હતી. દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે બાળકો માટે રસી ઓગસ્ટ સુધીમાં આવી શકે છે. કોરોનાની બીજી લહેરની અસર હજુ પણ દેશમાં ચાલી રહી છે અને ત્રીજી લહેર અંગે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં જો બાળકો માટે રસી આવે તો મોટી રાહત થઈ શકે છે. નોંધનીય છે કે દેશમાં ફક્ત ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોનાની પહેલી લહેરમાં જે પ્રકારે સૌથી વધુ વૃદ્ધોને વાયરસે ટાર્ગેટ બનાવ્યા હતા તેમ બીજી લહેરમાં મોટી સંખ્યામાં યુવાનોમાં અસર જોવા મળી હતી. જેથી નિષ્ણાંતો શંકા વ્યક્ત કરે છે કે ત્રીજી લહેરમાં વાયરસ બાળકોને ટાર્ગેટ બનાવી શકે છે. આમ પણ બીજી લહેરમાં પણ ભૂતકાળના પ્રમાણમાં ઘણા બાળકોને કરોનાની અસર થઈ છે, આવી સ્થિતિમાં, ઘણાં સમયથી બાળકોની રસીની રાહ જોવામાં આવી રહી હતી. દેશમાં વિવિધ સ્તરે બાળકો પર હાલમાં રસીની ટ્રાયલ કરવામાં આવી રહી છે. ભારત બાયોટેકની કોવેક્સીનનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે, જેના અંતિમ પરિણામો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં અપેક્ષિત છે. આ સિવાય ઝાયડસ કેડિલા દ્વારા બાળકોની રસીની ટ્રાયલ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે, તેથી તેને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ સિવાય ફાઇઝર, મોડર્ના જેવી વિદેશી કંપનીઓ પણ ૧૨ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે રસીઓ વિકસાવવા પર કામ કરી રહી છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ભારતમાં પણ પ્રવેશ મેળવી શકશે. આપને જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં લગભગ ૪૪ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે નવ કરોડથી વધુ લોકોમાં રસીના બંને ડોઝ પૂર્ણ રુપે લેવાઈ ચૂક્યા છે.