આસામ-મિઝોરમની સરહદે CRPF ની બે કંપની તૈનાત

252

આસામના મંત્રીએ હિંસાની ઘટનાની તુલના જલિયાવાલા બાગ સાથે કરી, આસામ તરફથી ગ્રેનેડ ફેંકાયાનો આરોપ
(સં.સ. સે.) નવી દિલ્હી, તા.૨૭
આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ મુદ્દે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ બંને રાજ્યોની બોર્ડર પર સીઆરપીએફની બે કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. દરમિયાન આસામ સીએમ હેમંત બિસ્વા સરમાએ ઘાયલ જવાનોની મુલાકાત લીધી છે. બીજી તરફ મિઝોરમ સીએમ જોરામથાંગાએ આરોપ લગાવ્યો છે કે, આસામ તરફથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. જે જગ્યાએ બંને રાજ્યોની પોલીસ ફોર્સ વચ્ચે ગોળીઓ ચાલી હતી ત્યાં સીઆરપીએફની બે બટાલિયન તૈનાત કરવામાં આવી છે. આ બંને કંપનીઓ આમ તો પહેલેથી આ બે રાજ્યોમાં તૈનાત હતી પણ હવે તેમની ગતિવિધિ વધારી દેવામાં આવી છે. જ્યારે ટીએમસીએ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે, આ પ્રકારની ઘટનાઓથી ભારતમાં લોકશાહીનો મોત થઈ શકે છે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને તપાસની માંગણી કરી છે. સંસદમાં પણ આજે આ હિંસાનો મુદ્દો ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના સાંસદ ગૌર ગોગોઈએ કહ્યુ હતુ કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, લાઈટ મશિન ગનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ખબર નથી પડી રહી કે, આપણે સરહદ પર છે કે, સરહદની અંદર પોતાના દેશમાં ? આસામના મંત્રીએ આ ઘટનાની તુલના જલિયાવાલા બાગ સાથે કરી છે. પરિમલ સુકલાબૈધ્યે કહ્યુ હતુ કે, ફાયરિંગ મિઝોરમ તરફથી થયુ હતુ. જે રીતે બ્રિટિશ પોલીસે જલિયાવાલા બાગમાં કર્યુ હતુ તેવુ જ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.

Previous articleબાળકો માટેની રસી ઓગસ્ટમાં આવી શકે છે : આરોગ્યમંત્રી
Next article૧૩૨ દિવસ બાદ કોરોનાના નવા કેસ ૩૦ હજારથી ઓછાઃ ૪૧૫ દર્દીઓના મોત