અડાલજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમનાં પીએસઆઇ એ જી અનુરકર તેમની ટીમનાં જવાનો પદમસિંહ, સુરેન્દ્રસિંહ, ધીરેન્દ્રસિંહ તથા બળદેવભાઇ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે કલોલ તરફથી આવી રહેલી નંબર વગરની નવી રીક્ષામાં દારૂ ગાંધીનગર તરફ લઇ જવાતો હોવાની બાતમી એલઆર બળદેવભાઇને મળી હતી. જેના આધારે ઉવારસદ ચોકડીએ વોચ ગોઠવી હતી. રીક્ષા પસાર થતા રોકવા ઇશારો કરતા ભગાવી મુકી હતી.
પોલીસે પીછો કરીને તારાપુર પાસે ઝડપી લઇ તપાસ કરતા પાછળની સાઇડે સ્પીકર બોક્ષમાંથી ૫ પેટીમાંથી રૂ.૧૮ હજારની કિંમતનો ૬૦ બોટલ દારૂ મળ્યો હતો. જેથી રીક્ષા ચાલક વિવેક ગુપ્તા (રહે.ચાંદખેડા) તથા સાગરીત રમાકાન્ત રાજપૂત (રહે અયોધ્યાપુરી સોસાયટી, ચાંદખેડા)ની ધરપકડ કરીને પુછપરછ કરતા મહેસાણાનાં કડી તાલુકાનાં આલમપુર ગામે સૈયદવાસમાં રહેતા શાહનવાઝ ઉર્ફે ગાભુ ગોરેમીયા સૈયદ પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરતા ત્રણેય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.