(જી.એન.એસ)મુંબઇ,તા.૨૭
મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ ૬૧ વર્ષના થયા છે. જોકે ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાંપૂરની સ્થિતિના કારણે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવવાનુ નક્કી કર્યુ છે.પણ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આદત પ્રમાણે તેમના જન્મ દિવસ નિમિત્તે ચર્ચાસ્પદ નિવેદન આપી દીધુ છે. રાઉતે ઠાકરેના ભરપૂર વખામ કરતા કહ્યુ હતુ કે, ઉધ્ધવજી બધાને સાથે લઈને ચાલનારા નેતા છે અને ઉધ્ધવજી રાષ્ટ્રનુ નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. એ પછી તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, શું ઠાકરે દેશના વડાપ્રધાન બનશે ત્યારે સંજય રાઉતે જવાબ આપ્યો હતો કે, જોઈશું. દરમિયાન રાજકીય મોરચે તેની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે આ નિવેદન પર કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રનો કોઈ વ્યક્તિ જો દેશનુ નેતૃત્વ કરશે તો મારા માટે ખુશીની વાત છે. દરમિયાન મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અને ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડનવિસે પણ ઉધ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.