ભાવનગરના અકવાડા ગામે ડ્રેનેજની અધુરી કામગીરીને પગલે સ્થાનિકોની સમસ્યાઓમાં વધારો

454

ચોમાસાને લઈને શેરીઓમાં કાદવ-કિચડનુ સામ્રાજ્ય છવાયું : લોકોએ કહ્યું- કોર્પોરેટર કહી રહ્યા છે કે, અકવાડા ગામે અમને ક્યાં મત આપ્યા છે?
ભાવનગર શહેરી વિસ્તારોમાં નવા ભળેલા વિસ્તારમાં અકવાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સમાવેશ થયે પાંચ વર્ષ પૂર્ણ થવા છતાં શહેરી દરજ્જાની એકપણ સવલત ઉપલબ્ધ ન હોવા સાથે શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યા બાદ સમસ્યાઓની ભરમાર સર્જાઈ હોવાનો બળાપો સ્થાનિકો જણાવી રહ્યાં છે.નેતાઓએ વોટ બેંક મોટી અને મજબૂત બનાવવા માટે પાંચકે વર્ષ પૂર્વે ભાવનગર શહેરને અડીને આવેલા નાનાં ગામડાઓને શહેરમાં ભેળવી શહેરનું સીમાંકન વધાર્યું છે પરંતુ શહેરમાં સમાવ્યા બાદ શહેર દરજ્જાની કોઈ જ પાયાકીય સગવડો આજદિન સુધી આપવામાં ન આવી હોવાની હૈયાવરાળ નવા સીમાંકન વિસ્તારોના સ્થાનિકો જણાવી રહ્યા છે.અકવાડા ગામને શહેરના વોર્ડ નંબર – ૧૩ ઘોઘાસર્કલ – અકવાડા માં ભેળવવામાં આવ્યા હતા જ્યાં ભાજપના ૪ ઉમેદવારોમાં મુદુલાબેન બનેસિંહ પરમાર, લીલાબેન દિનેશભાઈ ગોહિલ, કુલદીપ નવીનભાઈ પંડ્યા, પંકજસિંહ ભરતસિંહ ગોહિલ ચારેય ભાજપના ઉમેદવારો ૫ મહિના પહેલા પ્રજાએ ચૂંટયા હતા અને હવે આજ ચુંટાયેલા પ્રતિનિધિઓ અકવાડા ગામના લોકોનો કહી રહ્યાં છે તમારા ગામમાંથી અમને મત નથી મળ્યા એટલે તમારું કામ જલ્દી નહીં થાય!આવી જ કંઈક પેચીદી સમસ્યાથી અકવાડા ગામના લોકો પિડાઈ રહ્યાં છે અહીં લાંબા સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઇનનું કાર્ય ચાલી રહ્યું છે નિયત અવધિ પૂર્ણ થવા છતાં કોન્ટ્રાક્ટ કામ પૂર્ણ કરી શક્યા નથી પરિણામે લોક સમસ્યામાં વધારો થયો છે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ગામની શેરીઓમાં રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવેલા છે જેને પગલે મોટી માત્રામાં રોડ પર પાણી ભરાયા છે અને અસહ્ય ગંદકી અને કીચડ નું સામ્રાજ્ય છવાયું છે. અહીં વાહન સાથે પસાર થવાની વાત તો દૂર પરંતુ પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ આડેધડ ખોદકામ ને પગલે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી હાલમાં ઘણાં દિવસોથી વરસાદ પણ પડ્યો નથી આમછતાં અહીં વરસાદી પાણી ભરાયેલા અકબંધ છે આ સમસ્યા અંગે સત્તાધીશો સમક્ષ વારંવાર લેખીત-મૌખિક રજૂઆત છતાં આજદિન સુધી કોઈ જ નકકર પરિણામ આવ્યું નથી ચોમાસાનું બહાનું કાઢી કોન્ટ્રાક્ટરે કામ પણ અટકાવ્યુ છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ કયારે આવશે એ યક્ષ પ્રશ્ર્‌ન લોકો ને મૂંઝવી રહ્યો છે.સ્થાનિક રહેવાસી દ્વારા જણાવ્યું હતું કે અમારા ગામ શહેરમાં ભળ્યા એને ૫ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં અમને હજી સુધી કોઈ સવલતો મળી નથી, અમારા ગામનો મુખ્ય રસ્તો છે જ્યાં ચાલીને પણ જઈ નથી શકાતું ત્યાં વાહનની તો વાત જ દૂર રહી, અમારા વિસ્તારના ૪ ભાજપના કોર્પોરેટર છે તેમને રજુવાત કરતા તેણે તો ના પાડી દીધી કે તમે ક્યાં અમને મત આપ્યા છે, તમે મત આપ્યા હોત તો તમારું કામ થાત, આ પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ આવો જવાબ આપી રહ્યા છે. અમે કમિશનરને પણ રજુવાત કરી હતી પણ જાણે કમિશનર પણ નેતાઓ નો સાથ દેતા હોય તેવું જણાઈ રહ્યું છે.

Previous articleપાલિતાણાના વોર્ડ નંબર ૭માં ૧૫ ફૂટના ખાડામાં મોટરસાયકલ સવાર બે વ્યકિત ખાબક્યા
Next articleબરવાળા સેવાભાવી ટીમે વિવાન વાઢેળની સારવાર માટે ૬ લાખથી વધુ રકમનું ડોનેશન આપ્યું