રાણપુર તાલુકાનું અણીયાળી કસ્બાતી ગામ બન્યુ ૧૦૦% રસીકરણયુક્ત ગામ

721

બોટાદ નોડલ અધિકારી અને જિલ્લા રોજગાર અધિકારી કોરોના સંક્રમણથી સુરક્ષિત થવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની જડીબુટ્ટી રૂપી ઈલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની વિસ્ફોટક પરિસ્થિતિને પહોચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- નાગનેશ માં સમાવિષ્ટ પેટા કેન્દ્રો ખાતે રસીકરણ કામગીરી માટે જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. ૧૦૦% રસીકરણયુક્ત ગામની સંકલ્પનાને સાકાર કરવા રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામ ખાતે મતદાર યાદી મુજબની સંખ્યા અને ઘર સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરવામાં આવી અને યાદી મુજબ વોર્ડ વાર રસીકરણ કાર્યક્રમો માટે સરપંચ શાંતુબેન ભીમાભાઇ બલોળીયા તથા આગેવાનો સાથે વ્યૂહાત્મક આયોજન સંદર્ભે બેઠક કરી રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ તથા અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રુબરુ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હતા. નોડલ અધિકારી પ્રશાંત ત્રિવેદી દ્રારા નવતર અભિગમ અને સર્જનાત્મક કાર્યપધ્ધતિ અપનાવી રસીકરણ મહા અભિયાનની ઉજવણીમાં ગામના તમામ નાગરિકો હર્ષ અને ઉત્સાહ સાથે સામેલ થઈ ૧૦૦% રસીકરણ થકી અન્ય ગામ માટે પ્રેરણા બને તેવા સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરતા ગામ ખાતેના તમામ વયજૂથના રસીપાત્ર એકંદર આશરે કુલ ૧૧૧૮ પૈકી ૧૧૧૨ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મેળવી ગામને કોરોનામુકત કરવાની પ્રતિબદ્ધતા ને ૧૦૦% સિદ્ધ કરી પોતાની જવાબદારી નિભાવી હતી. પ્રસ્તુત કામગીરીને અસરકારક રીતે પાર પાડવા માટે પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નોડલ અધિકારી ભટ્ટ અને તબીબી અધિકારી ડો. પાર્થરાજ રાઠોડ તથા આયુષ તબીબી અધિકારી ડૉ. પારુલ જમોડ તેમજ નાગનેશ આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચોરીઓએ શ્રેષ્ટતમ ફરજ બજાવી ૧૦૦% રસીકરણયુક્ત ગામની સંકલ્પનાને સિદ્ધ કરી હતી.

Previous articleરંગપુર શાળાના શિક્ષકે ૩૫માં જન્મદિવસેે ૩૫ વૃક્ષોનું વાવેતર કર્યું
Next articleરાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા નેત્રહીન પરિવારોને અનાજકીટનું વિતરણ કરાયું