કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રૉયનું રાજ્યસભામાં નિવેદન
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૮
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, સામાન્ય સ્થિતિ જળવાશે ત્યારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામા આવશે. રાયે આ વાત શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના સવાલમાં જવાબમાં કહી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ પુછ્યું હતું કે, ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીર રાજ્યને દરજ્જા માટે કેન્દ્ર પાસે શું પ્રસ્તાવ છે. જણાવી દઈએ કે, ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ના અંત બાદ જમ્મુ-કાશ્મીર રાજ્ય પાસેથી દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. પૂર્વવર્તી રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. સાંસદ ચતુર્વેદીએ એમ પણ પુછ્યું કે શું સરકાર રાજ્યમાં સંચાર માધ્યમો પર એક વર્ષથી વધારે સમયથી લાગુ પ્રતિબંધો હટાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રાયે અન્ય એક સવાલના જવાબમાં રાજ્યસભાને એમ પણ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદથી સંબંધિત ઘટનાઓ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં ૫૯ ટકા ઘટી છે. અને જૂન ૨૦૨૧ સુધી તેમાં ૩૨ ટકાનો ઘટાડો આવ્યો છે. રાજ્યસભામાં આપેલ લેખિત જવાબમાં રાયે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં દુકાનો તેમજ વ્યવસાયિક સંસ્થા, સરકારી ઓફિસ, શિક્ષા સંસ્થા, લોક પરિવહન સામાન્ય રીતે ચાલી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આતંકી સંગઠનોથી નિપટવા માટે ઘેરાબંધી તેમજ તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.