વિપક્ષ અને શાસક પક્ષના નગર સેવકોએ પ્રશ્ન ઉઠાવ્યા
ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભા ગઇકાલે મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં કુલ આઠ પૈકીના સાત ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે ૧૮ ફાયનલ પ્લોટની જમીન વેચાણથી આપવાના ઠરાવ સર્વાનુમતે કેન્સલ કરવામાં આવ્યો હતો. શહેરના એરપોર્ટ પાછળ ગંદકીનું મોટું તળાવ ભરાય છે છતા કોઇ કાર્યવાહી નહીં કરાતા વિપક્ષના સભ્યોએ દેકારો મચાવ્યો હતો તેમની સાથે સત્તાધારી પક્ષના નગરસેવકોએ પણ જુદા જુદા પ્રશ્નો ઉઠાવતા આશ્ચર્ય ફેલાયું હતું. આ મળેલી સાધારણ સભામાં નગરસેવક કુલદીપભાઈ પંડ્યાએ કોર્પોરેશન દ્વારા કુદરતી વહેણ હોવા છતાં મંજુર કરેલા પ્લાન બાબતે પ્રશ્ન પૂછ્યા હતા તેની માહિતી મળી ન હતી. સોમનાથ રેસીડેન્સીનો લે આઉટ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (બાડા)માંથી મંજૂર થયો પરંતુ કોર્પોરેશનને આ વિસ્તાર સોપ્યા બાદ કુદરતી વહેણ હોવા છતાં ડ્રેનેજ સહિતના તમામ નક્શા મંજૂર કરાયા હતા. જ્યારે વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલીયાએ શાસક પક્ષના સભ્ય અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો હોવા છતાં પૂછેલા પ્રશ્નોથી કટાક્ષ કરી હતી. આ ઉપરાંત શહેરના એરપોર્ટ પાછળ આસપાસની સોસાયટીઓનું ડ્રેનેજનું પાણી ખુલ્લા ખારમાં છોડી દેવાના મામલો ખુલ્લો પાડતા આ સોસાયટીઓને વારંવાર નોટિસ આપવાની અને આગામી દિવસોમાં કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી. બિલ્ડરો દ્વારા ખારમાં એક કિલોમીટર લાંબી ચેનલ બનાવી ડ્રેનેજના છોડાતા પાણી સામે સોસાયટીઓના કમ્પ્લીશન રદ કરવા પણ માગણી કરી હતી. નગર સેવક દામુભાઈ પંડ્યાએ પણ ડ્રેનેજના પ્રશ્ને રોષ ઠાલવ્યો હતો. ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ ટી.પી.ના વેચાણ કરેલા પ્લોટની આવક તે ટી.પી.ના વિકાસ પાછળ વાપરવાનું જણાવ્યું હતું. અને ફુલસર ટીપી નંબર ૨ એ અને ૨ બી માં ડેવલોપમેન્ટ કરવા સુચન કર્યું હતું. કોર્પોરેશનની બે શાળામાં પ્રાયોગિક ધોરણે અંગ્રેજી માધ્યમ શરૂ કરવાના નિર્ણયને કોંગ્રેસના નગરસેવક જીતુભાઈ સોલંકીએ આવકારી તમામ વોર્ડની એક-એક શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માગણી કરી હતી.