(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
ભારતમાં ફરી કોરોનાના નવા કેસ બે દિવસથી ૪૦ હજારને પાર જતા એક્ટિવ કેસમાં વધારો થયો છે અને આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. ગઈકાલે કોરોનાના નવા ૪૩,૬૫૪ કેસ નોંધાયા હતા અને ૬૪૦ દર્દીઓના મોત થયા હતા. આજે પણ કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ હજારને પાર ગઈ છે, અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૦ હજારની અંદર નોંધાઈ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વધુ ૪૩,૫૦૯ દર્દીઓ નોંધાયા છે. જેની સામે ૬૪૦ દર્દીઓના મોત થયા છે. સતત બે દિવસથી કોરોનાના મૃત્યુઆંક ૬૦૦ને પાર જઈ રહ્યા છે. કેરળ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેરળમાં વધતા કોરોનાને ધ્યાનમાં લઈને ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૮,૪૬૫ નોંધાઈ છે. ગઈકાલે તથા આજે નવા નોંધાયેલા કેસમાં સાજા થયેલા દર્દીની સંખ્યા નવા કેસની સામે ઓછી નોંધાતા એક્ટિવ કેસનો આંકડો ફરી એકવાર ૪ લાખને પાર પહોંચી ગયો છે. આમ છતાં સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોટ્ર્સ મુજબ રિકવરી રેટ ૯૭.૩૮% પર પહોંચ્યો છે.
વધુ ૩૮,૪૬૫ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૦૭,૦૧,૬૧૨ પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૪,૨૨,૬૬૨ થઈ ગયો છે. નવા કેસની સંખ્યાની સાથે મૃત્યુઆંકમાં પણ બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં કુલ ૪૫,૦૭,૦૬,૨૫૭ લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૯૨,૬૯૭ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસ રિકવર દર વધીને ૯૭.૩૮ ટકા થઈ ગઈ છે. ભારતમાં, ૨૮ જુલાઈનાં રોજ છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૨૮,૭૯૫ કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, જુલાઈ ૨૮ સુધી, દેશભરમાં કોવિડ-૧૯ માટે કુલ ૪૬,૨૬,૨૯,૭૭૩ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.